નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Crime News: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ઝાણું ગામની સીમમાં બે મહિલાઓની હત્યાનો (Women Murder)બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ હતી. ગત 3 ફેબ્રુઆરીનો રોજ આ મામલે કણભા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. સાથે જ આ ગુનાનો ભેદ ઉકેલવા અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની(Ahmedabad Crime Branch) પણ મદદ લેવામાં આવી હતી. જે મામલાનો ભેદ ઉકેલવામાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. હત્યાનો ભેદ ઉકેલાતા હત્યાનું ચોંકાવનારું કારણ પણ સામે આવ્યું હતું.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 3 ફેબ્રુઆરીના રોજ ઝાણું ગામની સીમમાં મહિલાના ડબલ મર્ડરનો કેસ નોંધાયો હતો. એક સાથે બે મહિલાઓની હત્યાના સમાચાર સામે આવતા કણભા પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દરમિયાન અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલવા અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને સૂચના મળી હતી. અમદાવાદ ક્રઈમ બ્રાન્ચે સૂચના મળતા જ અલગ-અલગ ટીમો કામે લગાવી હત્યારા સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ. કે.એસ સિસોદીયા અને હેડ કોન્સ્ટેબર સુરેશભાઈ જીવણભાઈને બાતમી મળતા આરોપી સુધી પહોંચવામાં પોલીસને સફળતા હાથ લાગી હતી અને હત્યાનો આરોપી ઝડપાઈ ગયો છે. પોલીસે આરોપીની આગવી ઢબે પુછરપછ કરતા આરોપી રોહિતભાઈ ચતુરભાઈ ચુનારા ઉં. વર્ષ 42 ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર આરોપી રોહિતભાઈએ ભૂલાવડી ગામ ખાતે કલ્પેશભાઈ પટેલની જમીન ભાગથી વાવેતર માટે રાખી હતી. આરોપી ખેતર પર જ રહેતો હોય શેઠે જણાવ્યું હતું કે, તેમના ખેતરની વાડેથી કોઈ લાકડા કાપવા માટે આવે તો તેમને આવું કરવા દેવું નહીં. માટે આરોપી ખેતરની વાડ આસપાસ કોઈને લાકડા કાપવા દેતો નહીં. છતાં પણ અવારનવાર મૃતક મહિલાઓ ગૌચરની જમીનમાંથી લાકડા કાપી લઈ જતી હતી. જેના કારણે તેને અનેક વખત આ મહિલાઓને ટપોરી લાકડા નહીં કાપવાનું કહી ડરાવી ભગાવી મુકતો હતો. પરંતુ 3 ફેબ્રુઆરીના રોજ આ બંને મહિલાઓ બપોરના સમયે ખેતરથી નજીક આવેલા નદીના પટમાં થઈ ગૌચર તરફ આરોપીને જોવા મળી હતી. આરોપીએ મહિલાને અપશબ્દો બોલી ધમકાવી કહ્યું કે ‘આજે તમને છોડવાના નથી.’ બાદમાં તેણે નજીક જઈ મૃતક મહિલા ગીતાબેન ઠાકોરને કહ્યું હતું કે ‘જો તારે લાકડા કાપવા હોય તો મારી સાથે સબંધ રાખવો પડશે. જો તું તેવું કરીશ તો હું તને કાયમ લાકડા કાપવા દઈશ.’
આરોપીની અભદ્ર માગણીનો ઈન્કાર કરતા મૃતક ગીતાબહેનને આ વાત ગામમાં જઈ જણાવવાનું કહેતા આરોપી ગિન્નાયો હતો. તેમજ ગીતાબેન ગામમાં જઈ વાત કરી લોકોને લઈ આવશે તેવો ભય પેદા થતા આરોપીએ ગીતાબેનની હત્યા કરી નાખી હતી. આ હત્યા કરવામાં આવી ત્યારે ગીતાબેન સાથે રેહલી બીજી મહિલા મંગીબેન ઠાકોર પણ હાજર હતા. મંગીબેન હત્યા થતી જોઈ જતા આરોપીને ફરી ભય પેદા થયો કે મંગીબેન કોઈને હત્યાની જાણ કરી શકે છે. માટે આરોપીએ મંગીબેનને પણ ધારીયાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
હત્યાનો ભેદ ઉકેલાતા હાલ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયેલા આરોપી રોહિતભાઈ ચતુરભાઈ ચુનારાને કણભા પોલીસને સોંપવાની કાર્યવાહી શરૂ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








