નવજીવન ન્યૂઝ. અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે ઉમેદવારો માટે કતલની રાત માનવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લીમાં દારૂ ભરેલી કારને લોકોએ ઝડપી પાડી છે. ચૂંટણી સમયે પોલીસની કડક કાર્યવાહી હોવા છતાં પોલીસનું કામ પ્રજાએ કરવું પડે તેવી સ્થિતી જોવા મળી છે. જેના કારણે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. આ મામલો ત્યારે ગંભીર બન્યો જ્યારે દારૂ ભરેલી કારને ભાજપના નેતા પાયલોટીંગ કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ બરોબર જામ્યો છે. તેવામાં અનેક નેતાઓ અત્યારસુધી દારૂના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડ્યા છે. બાયડમાં અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાના કાર્યકરોને દારૂ ભરેલી કાળા કલરની સ્કોર્પિયો પસાર થવાની માહિતી મળી હતી. માહિતીના આધારે યુવાનોએ સ્કોર્પિયો કારને અટકાવીને તલાસી લેતા તેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. લોકોએ દારૂ ભરેલી કારનો વીડિયો બનાવ્યો હતો જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાના કાર્યકરોઓએ જે વીડિયો ઉતાર્યો હતો તેમાં એક ભાજપની ટોપી પહેરેલી વ્યક્તિ જોવા મળી રહી છે. આ વ્યક્તિ અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ રાજુ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આક્ષેપ એવા થઈ રહ્યાં છે કે, રાજુ પટેલ દારૂ ભરેલી કારને પાયલોટીંગ કરી રહ્યા હતા. જેઓ કાર રોકી રહેલા કાર્યકરોને કારથી દૂર કરવાના પ્રયત્ન કરી રહ્યા હતા. દારૂની ટ્રકને ત્યાંથી લઈ જવા માટે રાજુ પટેલએ લાખો રૂપિયાની ઓફર પણ કરી હતી. જોકે ધવલસિંહના કાર્યકરોએ પોલીસ બોલાવી લેતા રાજુ પટેલ સહિત કાર ચાલકો ફરાર થઈ ગયા હતા. આ દારૂને મતદાની આગલી રાત્રે મતદારોને રીઝાવવા માટે લઈ જવામાં આવી રહ્યો હોવાનું અનુમાન છે. ત્યારે લોકો રાહ જોઈ રહ્યાં છે કે દારૂ ભરેલી ગાડી મામલે ભાજપના નેતાઓના સુધી પોલીસ પહોંચે છે કે કેમ.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








