નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે મોરબી બ્રિજની દુર્ઘટનાના એક અઠવાડિયા બાદ સુઓમોટો દાખલ કરી છે. કોર્ટે આ મામલે ગુજરાત સરકારના અધિકારીઓને નોટિસ પાઠવી છે. જે વિભાગના અધિકારીઓ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે તેમાં ગૃહ વિભાગ, શહેરી ગૃહ વિભાગ, મોરબી નગરપાલિકા અને રાજ્ય માનવ અધિકાર પંચનો સમાવેશ થાય છે.
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સમગ્ર મામલાનો અહેવાલ એક સપ્તાહમાં દાખલ કરવા જણાવ્યું છે. હાઈકોર્ટે ગુજરાત સરકારને 10 દિવસની અંદર તેમણે આ બાબતે લીધેલા પગલાં અંગે રિપોર્ટ ફાઈલ કરવા જણાવ્યું છે. આ સાથે મામલાની આગામી સુનાવણી માટે 14 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે. મોરબી દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. મોરબી દુર્ઘટનામાં પોલીસે 9 આરોપીને ઝડપી લીધા હતા. પોલીસે તમામ આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા અને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. મોરબી કોર્ટે 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે ત્રણ સિક્યુરિટી મેન તેમજ બે ક્લાર્કને જેલમાં મોકલવામાં આવ્યા હતા.
હાઈકોર્ટે કહ્યું છે કે, રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહીની અમને અપેક્ષા છે. હાઈકોર્ટે ગૃહ વિભાગ, મોરબી ક્લેક્ટર, મનપા કમિશનર, અર્બન હાઉસિંગ, હ્યુમન રાઇટ્સ અને જવાબદાર અધિકારીઓને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે ગુજરાત સરકાર, મોરબી નગરપાલિકા, રાજ્ય માનવાધિકાર આયોગને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે મોરબી બ્રિજ દુર્ઘટનામાં 135 લોકોના મૃત્યુના પ્રસિદ્ધ થયેલા સમાચાર અહેવાલો પણ ધ્યાને લેવા રજિસ્ટ્રીને આદેશ આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી 14 નવેમ્બરે હાથ ધરવામાં આવશે.








