નવજીવન ન્યૂઝ. મોરબીઃ મોરબીમાં ગઈકાલ રવિવારનો દિવસ ગોજારો સાબીત થયો હતો. રવિવારની રજાની મજા માળવા આવેલા પરિવારોને ક્યાં ખબર હતી કે ઝૂલતો પુલ તેમના માટે મોતનો પુલ બનવાનો હતો. મોરબીમાં બનેલી દુર્ઘટનામાં અત્યાર સુધી 180થી વધુના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. બીજીબાજુ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાત લેવાના છે. પ્રધાનમંત્રી પોતે મોરબી પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરશે તથા પીડિતો સાથે મુલાકાત કરશે.
આજે પ્રધાનમંત્રીનો કેવડીયા ખાતે એક કાર્યક્રમ હતો. જેમાં સંબોધન દરમિયાન PM મોદી ભાવુક થઈને મૃતકોના પરિવારને સંતાવના પાઠવી હતી. તેમણે કહ્યું હતુ કે, ભલે હું એકતાનગરમાં હોઉ, પણ મારું મન મોરબીના પીડિતો પાસે છે. જોકે પીએમ નરેન્દ્ર મોદી આવતી કાલે મોરબીની મુલાકાત લેવાના છે. આ ઘટનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર પેજ સમિતિ સ્નેહમિલન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. ઉપરાંત અમદાવાદમાં PM મોદીનો રોડ સો સહીત અનેક કાર્યક્રર્મો રદ કરાયા છે. બ્રિજ તુટવાની ઘટનામાં પોલીસે બ્રિજના કોન્ટ્રાક્ટર, સિક્યુરિટી ગાર્ડ, ટિકિટ આપનાર અને મેનેજર સહિતના લોકોની પૂછપરછ કરી હતી. ઉપરાંત 9 લોકોની પોલીસે અટકાયત પણ કરી છે.
મોરબીમાં ગઈકાલે સાંજે અચાનક જ ઝૂલતો પુલ તુટી પડવાની ઘટના બની હતી. જેમાં અત્યાર સુધીમાં 180થી વધુના મોત નિપજ્યા છે, મૃતકોમાં 56 બાળકો છે. સમગ્ર બાબત અંગે મોરબીમાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને જે કંપનીને આ બ્રિજનું સમારકામ અને સાચવણીનું કામ સોંપવામાં આવ્યું હતું તેમને આરોપી બનાવવામાં આવ્યા છે.








