નવજીવન ન્યૂઝ. મોરબી: ગુજરાતનું મોરબી ગઇકાલે બીજી એક મોટી દુર્ઘટનાનું સાક્ષી બન્યું છે, રવિવારની સાંજે મોરબીમાં આવેલો ઝુલતો બ્રિજ અચાનક જ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 141 લોકોનું મૃત્યુ થયું હોવાની માહિતી સામે આવી રહી છે. મોરબીમાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને જે કંપનીને આ બ્રિજનું સમારકામ અને સાચવણીનું કામ જે ઓરેવા કંપનીને સોંપવામાં આવ્યું હતું તેમને આરોપી બનાવવામાં આવ્યા છે.
આ દુર્ઘટનામાં 141 લોકોએ જીવ ગુમાવ્યો છે. આવી દુર્ઘટના બાદ આ મુદ્દે કોઈ રાજનીતિ ન થવી જોઈએ, પરંતુ ભૂતકાળમાં PM નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં આવી જ એક ઘટનામાં રાજકારણ કર્યું હતું અને પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી ઉપર નિશાન સાધ્યું હતું. તો હવે ગુજરાતની પણ ચૂંટણી આવી રહી છે અને તે જ સમયે આવી ઘટના બની છે તો શું ગુજરાતનાં વિપક્ષો ભાજપ ઉપર સવાલ નહીં કરે?
આજે પ્રધાનમંત્રીએ કેવડીયા ખાતે એક કાર્યક્રમમાં ભાવુક થઈને મૃતકોના પરિવારને સંતાવના પાઠવી હતી, PM અત્યારે ગુજરાતમાં જ છે તેમ છતાં તેમણે પોતાના કાર્યક્રમ રદ કરીને મોરબીમાં ઘટના સ્થળે મુલાકાત લેવાનું ટાળ્યું હતું અને પોતાના કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રાખ્યા છે. સામાન્ય રીતે PMના કાર્યક્રમના કેટલાક પ્રોટોકોલ હોય છે પણ આપણે ભૂતકાળમાં જોયું છે કે પ્રધાનમંત્રી ઘણી વાર પ્રોટોકોલ તોડીને માનવતા બતાવે છે તો આજે કેમ તેમણે મોરબીની જગ્યાએ કેવડીયા પહોંચી ગયા તે પણ એક પ્રશ્ન છે.
ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ચૂંટણીની જાહેરાત થાય અને આચારસહિંતા લાગુ થાય તે પહેલા પ્રધાનમંત્રી ગુજરાતમાં વિકાસના કામોનું લોકાર્પણ કરી દેવા માગે છે, પરંતુ શું વિકાસના કામોનું લોકાર્પણ મૃતકોને સંવેદના આપવા કરતાં વધારે છે? પ્રધાનમંત્રીએ કેવડીયામાં એક કાર્યક્રમમાં જણાવ્યુ કે તેવો કેવડિયામાં છે, પરંતુ તેમનું મન મોરબીમાં છે, તો શું પ્રધાનમંત્રી જાતે પણ મોરબી ન જઇ શક્યા હોત? કે પંછી લોકાર્પણના નામે ચૂંટણી પ્રચાર વધારે અગત્યનો છે?








