Sunday, April 19, 2026
HomeGujaratમોરબી: ઝુલતો પુલ તૂટી જતાં 60 લોકોના મૃત્યુ, સરકારે કરી તપાસ માટે...

મોરબી: ઝુલતો પુલ તૂટી જતાં 60 લોકોના મૃત્યુ, સરકારે કરી તપાસ માટે સમિતિની રચના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોરબી: મોરબીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. થોડા દિવસ અગાઉ જ જે ઝૂલતા પુલને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તે ઝુલતો પુલ આજે સાંજના સમયે અચાનક જ તૂટી પડ્યો હતો. જે સમયે આ દુર્ઘટના સર્જાઈ તે સમયે આ પુલ ઉપર અંદાજિત 400થી 500 વ્યક્તિઓ હતા તેવું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે અને હાલ સુધીમાં આ દુર્ઘટનામાં 10 બાળકો સહિત 60 વ્યક્તિઓનું મૃત્યુ થયું હોવાની માહિતી સામે આવી રહી છે.

આ દુર્ઘટના સર્જાતા જ અચાનક તંત્રની આંખ ખૂલી ગઈ છે અને આ દુર્ઘટનાની તપાસ કરવા માટે તાત્કાલિક પાંચ સભ્યોની એક સમિતિની રચના કરી દેવામાં આવી છે. આ સમિતિમાં રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર, કે. એમ. પટેલ ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ-આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર, ડૉ. ગોપાલ ટાંક એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ, સંદીપ વસાવા,સચિવ માર્ગ અને મકાન અને સુભાષ ત્રિવેદી, આઈ.જી-સી.આઈ.ડી ક્રાઈમનો સમમાવેશ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ દુર્ઘટનાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જરૂરી માર્ગદર્શન આપ્યું છે. CM ભુપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તાત્કાલિક મોરબી જવા અરવાના થઈ ચૂક્યા છે અને CMએ તેમના તમામ કાર્યક્રમો પણ રદ કરી દીધા છે. મજબૂત સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે કલલે સવારના સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ મોરબીની મુલાકાત લઈ શકે છે.

પરંતુ અહિયાં ચોક્કસ એક સવાલ ઊભો થાય છે કે પૂર આવ્યા બાદ પાળ બાંધવાથી શું થાય? જ્યારે થોડા દિવસો અગાઉ આ પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું તે પહેલા શું પુલને યોગ્ય માપદંડો મુજબ ચકાસવામાં નહીં આવ્યો હોય? અત્યાર સુધી 60 લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે અને હજુ આ મૃત્યુઆંક વધી શકે છે. દુર્ઘટના બાદ જે સમિતિ રચવામાં આવી છે તેના તારણો જે આવે તે પરંતુ તે પહેલા આ 60 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે અને તેમના પરિવારજનોએ એક સ્વજન ગુમાવ્યો છે તેના માટે જવાબદાર કોણ?

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular