નવજીવન ન્યૂઝ. મોરબીઃ મોરબીમાં ગઈકાલે સાંજે ઝુલતો પુલ ધરાશાયી થવાને કારણે 141 લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે. ઉપરાંત સાંસદ મોહન કુંડારિયાના પરિવારના 12 સભ્યોના આ દુર્ઘટનામાં મોત નિપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 200થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ બનાવમાં અન્ય લોકોની શોધ માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. અત્યારે 20 રેસ્ક્યૂ બોટ સાથે બચાવ કામગીરી હાથ ધરાઈ છે. નેવી, આર્મી, ફાયર બ્રિગેડ, NDRF, SDRFની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
મોરબીમાં મચ્છુ નદી પર આવેલો ઝુલતો પુલ રવિવારે સાંજે 6.42 વાગ્યે તૂટી પડ્યો હતો. આ પુલ તુટયો ત્યારે તેના પર 300થી વધુ લોકો પાણીમાં ડુબ્યા હતા. ઝૂલતા પુલ તુટતા તંત્ર તુરંત જ સક્રિય થઈ ગયું હતું અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. આર્મી, નેવી, એરફોર્સ, ફાયર બ્રિગેડ, NDRF, SDRFની ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે. અત્યારે વોટરપ્રુફ કેમેરા દ્વારા કાદવની અંદર કે ક્યાંય મૃતદેહો ફસાયા નથી તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નદીમાંથી પાણી ખાલી કરવા પાળ પણ તોડવાની કામગીરી ચાલી રહી છે. આજ સવાર સુધીમાં બે લોકો લાપતા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જે પૈકી એકનો મૃતદેહ મળી આવ્યો છે.
મચ્છુ નદી પરનો પુલ પુનઃસ્થાપન માટે સાત મહિનાથી બંધ હતો. 26 ઑક્ટોબરે નવા વર્ષમાં તેને ફરીથી જાહેર જનતા માટે ખોલવામાં આવ્યો હતો. પુલ તુટવાની દુર્ઘના બાબતે મુખ્યમંત્રીએ કમિટીની રચના કરી. રાત્રે બે વાગ્યે તમામ કમિટીના સભ્યો અહીં પહોંચી ગયા છે. જે એજન્સી બ્રિજની સમારકામ, મેઈન્ટેન્ટ્સ સંભાળતા હતી તેની સામે કલમ 304, 308, 114 મુજબ ગુનો નોંધાયો છે અને તેની તપાસ આજે જ શરૂ થાય તે માટે ટીમ બનાવામાં આવી છે. રેન્જ આઈજીના નિરીક્ષણમાં તપાસ આગળ વધારાશે.
મોરબીમાં દુર્ઘટનામાં મોરબીના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પ્રકાશ દેકાવાડીયાએ ફરિયાદી બન્યા છે. સરકાર તરફથી ફરિયાદી બની તેમણે મોરબીના ઝુલતા બ્રિજનું મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનારા અને એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. FIRમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, બ્રીજનું યોગ્ય રીતે સમારકામ/મેન્ટેનન્સ તથા ક્વોલિટી ચેક કર્યા વિના, યોગ્ય મેનેજમેન્ટ ન કરીને ગંભીર અને નિષ્કાળજી ભરેલા કૃત્યથી ઝુલતા પુર ફરવા આવેલા સામાન્ય નાગરિકોનું મોત નિપજવા તથા શારીરિક ઈજા પહોંચવાની જાણકારી હોવા છતાં બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, પોલીસ ઈન્સપેક્ટર દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં કોઈ પર આરોપીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
સાંસદ મોહન કુંડારિયાના પરિવારના 12 સભ્યોના આ દુર્ઘટનામાં મોત નિપજ્યા છે. મોહન કુંડારિયાના સગા બહેનના જેઠાણીના પરિવારના લોકો, ચાર દીકરી, ચાર જમાઈ અને સંતાનોના મોત થયા છે. એક પરિવારનાં 12 સભ્યોનાં મૃત્યુ થતા માતમ છવાઈ ગયો છે. રાજ્ય સરકારે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.








