નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હજી સુધી જાહેર નથી થઈ પરંતું આજે સવારથી ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. સમગ્ર દેશના કોંગ્રેસ કાર્યલાય પર હાલ મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં મતદાન માટે અમદાવાદમાં આવેલા કોંગ્રેસ ભવન ખાતે મતદાન માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં રાજકીય પક્ષમાં કોંગ્રેસ એક એવી પાર્ટી છે. જે પ્રમુખ માટે મતદાન કરી રહી છે.
કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી પક્ષના અધ્યક્ષને લઈને વિવાદમાં ચાલી રહ્યો હતો. આજે કોંગ્રેસના જ બે મોટા નેતા મલ્લિકાર્જુન ખડગે અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર પક્ષના સેનાપતિ બનવા માટે મેદાનમાં આવ્યા છે. પક્ષમાં અધ્યક્ષ માટેની ચૂંટણી 22 વર્ષ બાદ યોજાય રહી છે. આ પહેલા ચૂંટણી 1998માં સોનિયા ગાંધી અને જીતેન્દ્ર પ્રસાદ વચ્ચે યોજાય હતી. આજે યોજાવામાં આવેલી ચૂંટણીમાં 9800 જેટલા હોદ્દેદારો મતદાન કરવાના છે. જ્યારે ગુજરાતમાં 408 હોદ્દેદાર મતદાન કરવાના છે.
ગુજરાતમાં પક્ષના અધ્યક્ષ માટે આજે સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. જે 4 વાગ્યા સુઘી ચાલવાનું છે. 408 હોદ્દેદાર બેલેટ પેપરથી મતદાન કરવાના છે. મતદાન કોણે કર્યુંએ તે માહિતી સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે. ગુજરાતમાં મલ્લિકાર્જુન ખડગેએ એજન્ટ તરીકે ખુર્શીદ સૈયદ, બાબુબાઈ પટેલ, સંજય અમારાણી અને બિમલ શાહને નીમ્યા છે. જ્યારે શશી થરૂરે ગુજરાતમાં ચેતના પંડ્યા, ધરમ આંબલીયા, નિકુલ પટેલ, પરિશા જૈન અને પ્રેમકુમાર કટારીયાને એજન્ટ તરીકે પસંદગી કર્યા છે.








