નવજીવન ન્યૂઝ. મુંબઈઃ ભાજપે મુંબઈ અંધેરી (પૂર્વ) પેટાચૂંટણીમાંથી તેમના ઉમેદવાર મુરજી પટેલનું નામ પાછું ખેંચી લીધું છે. આ જાહેરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષે કરી હતી. આ સાથે શિવસેનાના ઉમેદવાર ઋતુજા લટકેની જીત હવે લગભગ નિશ્ચિત છે. ઋતુજાએ સૌનો આભાર માન્યો હતો. 3 નવેમ્બરે અંધેરી પૂર્વ પેટાચૂંટણી માટે નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ છે.
મહારાષ્ટ્રના અંધેરી (પૂર્વ) મતવિસ્તારમાં યોજાનારી પેટાચૂંટણીમાં ઋતુજા લટકેને ક્રોસ પાર્ટી સમર્થન મળ્યું હતું. શિવસેનાના વિધાનસભ્ય રમેશ લટકેના અવસાન બાદ ભાજપે આ બેઠક પર મુરજી પટેલને મેદાનમાં ઉતારવાના હતા, પરંતુ તમામ રાજકીય પક્ષો તરફથી તેમને મળી રહેલા સમર્થનને કારણે ભાજપે પોતાનો ઉમેદવાર પાછો ખેંચી લીધો હતો. ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે સૌથી પહેલા ઋતુજા લટકેના સમર્થનમાં આવ્યા હતા.
રાજ ઠાકરેએ અણધારી રીતે ભાજપના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને તેમની પાર્ટીના ઉમેદવારને પાછો ખેંચી લેવા વિનંતી કરી હતી જેથી કરીને ઋતુજા લટકે પેટાચૂંટણી બિનહરીફ જીતી શકે. રાજ ઠાકરેની વિનંતીના કલાકો પછી આજે એકનાથ શિંદે જૂથના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે પણ શિંદેને પત્ર લખીને માગણી કરી હતી કે તમામ પક્ષોએ ઋતુજા લટકેને સમર્થન આપવું જોઈએ અને તેમને ચૂંટણી જીતવા દો, ભાજપે પોતાના ઉમેદવાર પાછા ખેંચવા જોઈએ.
રવિવારે રાજ ઠાકરેએ ફડણવીસને પત્ર લખીને કહ્યું કે હું રમેશ લટકેની રાજકીય સફરનો સાક્ષી રહ્યો છું. લટકે સામાન્ય કાર્યકરમાંથી ધારાસભ્ય બન્યા છે. તેમના મૃત્યુ બાદ તેમના પત્ની ધારાસભ્ય બનવું એ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ હશે. આ મહારાષ્ટ્રની મહાન સંસ્કૃતિને અનુરૂપ છે. મને આશા છે કે તમે મારી વિનંતી સ્વીકારશો. તેમના પત્રના જવાબમાં ફડણવીસે કહ્યું કે તેઓ એકલા આ મામલે નિર્ણય લઈ શકતા નથી. આ મામલે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને મુખ્યમંત્રી શિંદે સાથે ચર્ચા થવી જોઈએ.








