નવજીવન ન્યૂઝ. સાબરકાંઠાઃ ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં બુટલેગરોને છાવરીને પોલીસ સાઠગાંઠ કરીને દારૂના વેપલાને મજૂરી આપતા હોય છે. આવા પોલીસ કર્મીઓ સામે અગાઉ અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે. તેમ છતાં હજી પણ કેટલાક પોલીસ કર્મીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે સાબરકાંઠામાં પણ આ પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ હેડ કોન્સટેબલ બુટલેગર જોડે હપ્તો લેવા જતા ACB ત્રાટકી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, સાંબરકાંઠાના ઈડરમાં ફરિયાદી અગાઉ દારૂનો ધંધો કરતો હતો. જેથી ઈડર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સટેબલ લક્ષ્મણસિંહ જોરુસિંહ દેવડા ફરિયાદીના ઘરે જઈને દારૂનો ધંધો કરવા માટે હપ્તાની માગણી કરી હતી. ઉપરાંત અગાઉનો કેસ નહીં બતાવવા માટે 6000 હજારની માગણી કરી હતી.
ફરિયાદી પોલીસને લાંચની રકમ આપવા માગતો ન હોવાથી ACBનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે ACBના પોલીસ ઈન્સપેક્ટર બી.કે. ગમાર દ્વારા ઈડરના ભિલોડા ત્રણ રસ્તા પાસે આવેલા સાંઈરામ પાન પાર્લર પાસે લાંચનું છટકું ગોઠવવ્યું હતું. આ દરમિયાન ફરિયાદીના ભાઈ પાસેથી પોલીસ હેડ કોન્સટેબલે પૈસાની માગણી કરીને સ્વીકારતા સ્થળ પર ઝડપાઈ ગયા હતા. ACBએ હાલ લાંચીયા પોલીસકર્મીને ડેટેઈન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.








