નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ મોરના ઈંડાની ચીતરવા ન પડે આ કહેવતને સાર્થક કરતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. પાવરલિફ્ટિંગ કપલ તરીકે ઓળખાતા ઈંદરસિંહ ગુર્જર અને ધારિણી ગુર્જરે અનેક મેડલ પોતાના નામે કર્યો છે. ત્યારે તેમની પુત્રીએ પણ 10 વર્ષની ઉંમરે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 10 વર્ષની બાળકીએ 102.5 કિગ્રા વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. હવે આ છોકરી અમેરિકા જવાની છે.
ફ્લોરિડામાં યોજાનારી પાવર લિફ્ટિંગમાં 2022-23 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે કનકની પસંદગી કરવામાં આવી છે. છોકરીના માતા-પિતાએ પાવરલિફ્ટિંગમાં આંતર્રાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ જીત્યા છે. અમદાવાદની કનક ગુર્જર નામની બાળકી અમદાવાદના મોટેરામાં યોજાયેલી ચેમ્પિયનશિપમાં ભાગ લઈને આ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કર્યું હતું. કનકનું વજન 37 કિલો છે અને તેણે 44 કિલો વજન વર્ગમાં ભાગ લીધો હતો. જેમાં કનકે 55 કિલો ડેડલિફ્ટ, 30 કિલો સ્ક્વેટ અને 17. કિલો બેન્ચ પ્રેસ એમ કુલ મળીને 102.5 કિલો વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
કનકની પસંદગી વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2022-23 માટે થઈ છે. યુએસમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન યોજાશે. કનક 2 નવેમ્બરે આ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. કનકના પિતા ઇન્દરસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, “હું અને મારી પત્ની ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગયા હતા. આ દરમિયાન પુત્રીએ એક મહિલા એથ્લેટને વેઈટલિફ્ટિંગ કરતા જોયા. તેની એથ્લેટની ઉંમર મારી દીકરી કરતા વધારે હતી પણ હાઈટ એકસરખી હતી. જે જોઈને દીકરીએ પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. કનકે ક્યારેય આની પ્રેક્ટિસ નહોતી કરી પરંતુ તેણે 102 કિલો વજન ઉપાડી લીધું.








