Sunday, May 31, 2026
HomeGujaratસુરતમાં ૧,૧૦૦ સાધકો ૪૭ દિવસ સાધુ જીવન ગાળશે

સુરતમાં ૧,૧૦૦ સાધકો ૪૭ દિવસ સાધુ જીવન ગાળશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં ૧,૧૦૦ સાધકો ૪૭ દિવસ સુધી સાધુ જેવું જીવન પસાર કરશે. શ્વેત વસ્ત્રોમાં સજ્જ આરાધકો પોતાની ક્ષમતા મુજબ અલગ-અલગ તપ આરાધના કરશે. એક સાથે ૧૧૦૦ સાધકો ઉપધાન તપની આરાધના કરશે. આ સુરતનો પહેલો ઐતિહાસિક અવસર છે.

જૈન શાસનમાં ઉપધાન તપનું અનેરું મહત્વ છે. જેમાં સતત ૪૭ દિવસ સુધી શ્રાવક-શ્રાવિકાઓએ સાધુ જેવું જીવન જીવવાનું હોય છે. એટલે કે ઘર-પરિવાર, વેપાર-ધંધો, ગાડી-બંગલા, વીજળી-પંખા, મોબાઈલ વગેરેનો ત્યાગ કરી એક જ જગ્યાએ માત્ર અને માત્ર સાધુ જેવું જીવન પસાર કરવાનું હોય છે. મોક્ષ માર્ગે આગળ ધપવા ઈચ્છતા ભાઈ-બહેનો માટે આ પહેલું પગથિયું છે. જેના કારણે તપ-ત્યાગની લાગણી બળવત્તર બને છે. સુરતના વેસુ ખાતે આ તપ એક સાથે ૧,૧૦૦થી વધુ શ્રાવક-શ્રાવિકાઓ કરશે. જેના માટે બલર ફાર્મ-વેસુ ખાતે ૩,૫૦,૦૦૦ સ્ક્વેર ફુટ જગ્યામાં વિરતિ વૃંદાવન નગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

- Advertisement -

આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના અંતેવાસી શિષ્યરત્ન આચાર્ય શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા સહિત ૩૦૦ જેટલા સાધુ સાધ્વીજી ભગવંતની પાવન નિશ્રામાં ૧,૧૦૦થી વધુ સાધકો ઉપધાન તપ કરશે. આચાર્ય શ્રીમદ્ વિજય નિર્મળદર્શનસૂરીશ્વરજી મહારાજ સાધકોને પ્રેક્ટીકલ જ્ઞાન આપશે ઉપધાન તપ કરનારા ૧,૧૦૦થી તપસ્વીઓની તેમજ દીક્ષાર્થીની સેવા કરવાની તક એક જ પરિવારને સાંપડી પરિવાર તરફથી રહેવા-જમવાથી લઇ તમામ આયોજન કરવામાં આવ્યું છે.

ઉપધાન તપનો પ્રારંભ આસો સુદ ૧૪, શનિવાર તા. ૮થી થશે. ૨૭મી નવેમ્બરે વિશિષ્ઠ શોભાયાત્રા અને તા. ૨૮ના રોજ માલારોપણ કાર્યક્રમ સંપન્ન થશે. પાંચ આચાર્ય મહારાજ સહિત ૩૦૦ સાધુ-સાધ્વીજી ભગવંતો, ૧,૧૦૦ આરાધકો, દેશ-વિદેશથી અનેક આરાધકો પધારશે. એક જ માંડવામાં ૧૪ દીક્ષા થશે. પ્રતિ રવિવારે મહાપૂજા અને ભક્તિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જિનાલયમાં શંખલપુરથી ૫૧ ઇંચના કાઉસ્સગમુદ્રા વાળા ૨૫૦૦ વર્ષ પ્રાચીન બે પ્રભુજી પધાર્યા છે. જ્યારે સમ્રાટ સંપ્રતિ સંસ્થાના ચાર પ્રભુજી હસ્ગીરી મહાતીર્થથી લવાયા છે. વિરતિ વૃંદાવન અદ્ભૂત નગરીના નિર્માણ માટે છેલ્લા બે-ત્રણ મહિનાથી બંગાળ અને મહારાષ્ટ્ર-મુંબઈ તેમજ ગુજરાતના આશરે ૨૦૦થી વધુ કલાકારો સતત કાર્યરત છે. આ સમગ્ર આયોજન સણવાલ, બનાસકાંઠા હાલ સુરતના રહીશ સંઘવી શારદાબેન કીર્તિલાલ અનોપચંદ પરિવારે આયોજ્યું છે. જે પરિવારના રાજુભાઈ, નિકુંજભાઈ, પંકજભાઈ, જતીનભાઈ અને પૂરો પરિવાર ખભે ખભા મિલાવીને રાત દિવસની જહેમત ઉઠાવી રહ્યા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular