Friday, April 24, 2026
HomeGujaratપેટલાદમાં માત્ર 46% આવાસ પૂર્ણ, 4 વર્ષમાં રૂ.27 કરોડના 772 આવાસ ફળવાયા,...

પેટલાદમાં માત્ર 46% આવાસ પૂર્ણ, 4 વર્ષમાં રૂ.27 કરોડના 772 આવાસ ફળવાયા, આજે ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહ પ્રવેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.પેટલાદઃ કેન્દ્ર સરકાર દ્વારા ઘર વિહોણાને પોતાનું ઘર આપવાના અભિગમ સાથે વર્ષ ૨૦૧૭માં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) શરૂ કરવામાં આવી હતી. જે યોજનાની અમલવારી અને લાભ પેટલાદ શહેરના લોકોને પણ આપવાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ લાભાર્થીને છ તબક્કા દ્ધારા રૂ.૩૫૦૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત અત્યારસુધીમાં પેટલાદ ખાતે અંદાજીત રૂ.૨૭ કરોડના ૭૭૨ આવાસની ફાળવણી કરવામાં આવી છે. જે પૈકી ૩૫૪ આવાસ પૂર્ણ થઈ ગયા છે. જેમાંથી કેટલાક આવાસનું ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહ પ્રવેશ આવતીકાલે વડાપ્રધાનના હસ્તે અંબાજી ખાતે યોજાનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે પેટલાદ ખાતે ચાર વર્ષમાં માત્ર ૪૬% કામગીરી પૂર્ણ થઈ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭માં વડાપ્રધાન આવાસ યોજના (શહેરી) અમલી બનાવી હતી. જેમાં ઘરવિહોણા લોકોને યોજનાનો લાભ આપવાનો મુખ્ય હેતુ હતો. સમગ્ર દેશમાં જે કોઈ પાસે પોતાનું મકાન કે જમીન ના હોય તેવા લોકોને ૩૦ ચો.મી.નું મકાન બનાવવા રૂ.૩૫૦૦૦૦/- સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. જે માટે જરૂરી ફોર્મ ભરી સાથે દસ્તાવેજી પુરાવા, મામલતદાર પાસેથી મેળવેલ આવકનો દાખલો, બાંહેધરી પત્ર વગેરે નગરપાલિકા દ્વારા જે તે એજન્સીને આપવાના હોય છે. ઉપરાંત જો કોઈ પાસે મકાન હોય અને રિપેરીંગ કરાવવા માંગતા હોય તો પણ લાભાર્થીને રૂ.૩૫૦૦૦૦/- સુધીની સહાય મળવાપાત્ર છે. આ યોજના અંતર્ગત પેટલાદ શહેર ખાતે વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૨ દરમ્યાન ૭૭૨ આવાસની ફાળવણી થઈ છે. આ આવાસની સહાય મંજૂર થયા બાદ સરકાર દ્વારા પાંચ તબક્કામાં હપ્તાની રકમ ચૂકવાય છે.

- Advertisement -

પ્રથમ હપ્તો રૂ.૩૦૦૦૦નો ફુટીંગ લેવલે, બીજો હપ્તો રૂ.૪૫૦૦૦નો લિન્ટલ લેવલે, ત્રીજો હપ્તો રૂ.૫૦૦૦૦, ચોથો હપ્તો રૂ.૧ લાખનો સ્લેબ વખતે, પાંચમો હપ્તો રૂ.૭૦૦૦૦નો ફિનીસિંગ લેવલે અને અંતિમ હપ્તો કમ્પ્લીશન વખતે રૂ.૫૦૦૦૦ મળવાપાત્ર રહે છે. પેટલાદ ખાતે આ યોજના હેઠળ એક હજારથી વધુ લાભાર્થીઓએ ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળે છે. જેમાંથી ૭૭૨ આવાસ મંજૂર થયા છે. જે પૈકી ૩૫૪ આવાસ પૂર્ણ થઈ જતાં ૪૬% કામગીરી સંપન્ન થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવાસ ફાળવણી, બાંધકામ, હપ્તાની ચૂકવણી માટે થતી કાર્યવાહી વગેરેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. કેટલાય લાભાર્થીઓ પોતાના આવાસ પૂર્ણ કરાવવા પાલિકાના ધક્કા ખાતા હોવા છતાં કાગળોની પૂર્તતા થતી નથી. છેલ્લા ચાર વર્ષ દરમ્યાન પાલિકાના કેટલાક કાઉન્સિલરો, કર્મચારીઓ અને રાજકીય આગેવાનોએ રિતસરનો વેપલો જ કરી દિધો હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. જેને કારણે જ આવાસનું કામ માત્ર ૪૬% પૂર્ણ થયું છે.

બાંહેધરી માત્ર કાગળ ઉપર ?

આ યોજના હેઠળ લાભાર્થીએ એક બાંહેધરી પત્ર નોટરી કરાવી ફોર્મ સાથે આપવાનું હોય છે. જેમાં લાભાર્થીએ જણાવવાનું હોય છે કે સમગ્ર દેશમાં કુટુંબના એકપણ સભ્યના નામે જમીન કે મકાન નથી. સાથે યોજનાની શરતો અને નિયમોનું પાલન કરવા પણ બાંહેધરી આપવાની હોય છે. પરંતુ જો આ બાંહેધરી પત્રોની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો ઘણાં બધાં ગોટાળા બહાર આવી શકે તેમ હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. અનેક લાભાર્થીઓ તદ્દન ખોટા છે, જ્યારે કેટલાય સાચા લાભાર્થી સહાયથી વંચિત રહેતા હોવાની ચર્ચા નગરમાં જોરશોરથી ચાલી રહી છે.

- Advertisement -

(અહેવાલ અને તહેવાર આભારસઃ દેવાંગી ઠાકર, આણંદ)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular