નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ની નિમણૂક કરવામાં આવી છે. દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુના લગભગ 9 મહિના બાદ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અનિલ ચૌહાણની આ પદ પર નિમણૂક કરવામાં આવી છે. મે 2021માં પૂર્વી કમાન્ડના પદ પરથી નિવૃત્ત થયેલા લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. જનરલ બિપિન રાવતને દેશના પ્રથમ સંરક્ષણ વડા બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. ગયા વર્ષે ડિસેમ્બરમાં તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ રાવત, તેમની પત્ની અને કેટલાક અન્ય અધિકારીઓ સહિત 13 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં માત્ર એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ બચી ગયા હતા, જેઓ ગંભીર રીતે દાઝી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા.
63 વર્ષીય જનરલ બિપિન રાવતે જાન્યુઆરી 2020 માં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે ચાર્જ સંભાળ્યો હતો. આ પોસ્ટ આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય સેવાઓને એકીકૃત કરવા માટે બનાવવામાં આવી હતી. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) ચીફ ઑફ સ્ટાફ કમિટીના કાયમી અધ્યક્ષ છે. રાજકીય નેતૃત્વને નિષ્પક્ષ સલાહ આપવા ઉપરાંત, તે સંરક્ષણ પ્રધાનના મુખ્ય લશ્કરી સલાહકાર છે.
નોંધનીય છે કે ગયા વર્ષે 8 ડિસેમ્બરે થયેલા આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ત્રણ સેનાની ટીમ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 સેનાના જવાનો હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું થોડા દિવસો બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. એર માર્શલ માનવેન્દ્ર સિંહની આગેવાની હેઠળની તપાસમાં જાણવા મળ્યું હતું કે ખરાબ હવામાનને કારણે પાઈલટનું ધ્યાન ભટકાઈ ગયું હતું, જેના કારણે આ અકસ્માત થયો હતો.








