Friday, April 24, 2026
HomeGujaratબોરસદ પાલિકામાં ભાજપ VS. ભાજપ: જાણો પછી શું બન્યું

બોરસદ પાલિકામાં ભાજપ VS. ભાજપ: જાણો પછી શું બન્યું

- Advertisement -

દેવાંગી ઠાકર (નવજીવન ન્યૂઝ. બોરસદ): બોરસદ નગરપાલિકામાં ભાજપ શાસિત બોર્ડ કાર્યરત છે. સ્પષ્ટ બહુમત હોવા છતા પ્રમુખની કાર્ય પદ્ધતિ તથા નીતિરીતિથી અન્ય સભ્યો નારાજ હતા. દોઢ વર્ષથી સત્તામાં હોવા છતા વિકાસના કામો ઠપ્પ થઈ ગયા હોવાનો આક્ષેપ ભાજપના જ સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો. નારાજ સભ્યોની ધીરજનો અંત આવતા તેઓએ પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જે સંદર્ભે આજરોજ ખાસ સામાન્ય સભા મળી હતી. જેમા પાલિકાના પ્રમુખ સાથે માત્ર ૬ સભ્યો રહેતા અને દરખાસ્તની તરફેણમાં ભાજપના ૧૪ સહિત રપ સભ્યો રહેતા ખરેખર પ્રમુખ સામેનો અવિશ્વાસ પ્રદર્શિત થતા દરખાસ્ત મંજૂર થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપનો આ આંતરકલહ ચરમસીમા ઉપર પહોંચી જતા સ્થાનિક રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ બોરસદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ગત ફેબ્રુઆરી ર૦ર૧માં યોજાઈ હતી. પાલિકાની ૩૬ બેઠક માટે યોજાયેલા ચૂંટણીમાં ભાજપને ર૦, કોંગ્રેસને ૬, આપને ૧ તથા અપક્ષને ૯ બેઠક મળી હતી. આમ સ્પષ્ટ બહુમત સાથે ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. પાલિકાના પ્રમુખ પદે આરતીબેન દુશ્યંતભાઈ પટેલ તથા ઉપપ્રમુખ પદે રણજીતભાઈ ચંપકભાઈ પરમાર સત્તારૂઢ થયા હતા. ભાજપ શાસિત બોર્ડ દ્વારા દોઢ વર્ષ દરમિયાન વિકાસલક્ષી કામો નહી થતા હોવાનો અસંતોષ સત્તાધારી જૂથમાં શરૂ થયો હતો. ભાજપના જ અસંતુષ્ટ સભ્યો દ્વારા પોતાના વોર્ડ તથા અન્ય વિકાસલક્ષી કામો માટે વારંવાર રજૂઆતો કરતા હોવા છતા સંતોષકારક પરિણામ મળતુ ન હતુ. જેને કારણે કોંગ્રેસના ૬, આપ – ૧ તથા અપક્ષના ૯ મળી કુલ૧૬ સભ્યોની સહિઓ સાથે અવિશ્વાસની દરખાસ્ત તા.ર ઓગષ્ટ ર૦રરના રોજ બોરસદ પાલિકાના ચીફ ઓફિસરને મોકલી આપી હતી. જેમા જણાવ્યું હતુ કે પ્રમુખ આરતીબેન દુશ્યંતભાઈ પટેલની કાર્યપદ્ધતિ યોગ્ય નથી. ઉપરાંત વિકાસના કામો માટે લેખિત રજૂઆતો કરતા હોવા છતા થતા નથી. જેથી આ દરખાસ્ત અન્વયે નિયમ મુજબ કાર્યવાહી કરવા માંગણી કરી હતી. પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતાજ સ્થાનિક રાજકારણમાં ભૂકંપની સ્થિતી સર્જાઈ હતી. કારણકે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા ર૪ સભ્યોની જરૂર પડતી હોય છે એટલે કોંગ્રેસ, આપ અને અપક્ષના ૧૬ સભ્યો દ્વારા રજૂ કરેલ અવિશ્વાસ પ્રસ્તાવને ભાજપના અસંતુષ્ટોનું આડકતરૂ સમર્થન હોવાની વાત જોરશોરથી ચાલી રહી હતી.

- Advertisement -

પ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્ત ઉપર કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે તે પહેલા જ ઉપપ્રમુખ રણજીતભાઈ પરમાર સામે પણ અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ ચૂકી છે. આ અવિશ્વાસની દરખાસ્ત સંદર્ભે પ્રાદેશિક કમિશ્નર દ્વારા તા.રર સપ્ટેમ્બર ર૦રરના રોજ પ્રાંત અધિકારીને જાણ કરવામાં આવી હતી કે દરખાસ્તની કાર્યવાહી કરવી. જેથી પ્રાંત અધિકારીએ પાલિકાની ખાસ સામાન્ય સભા અંગે તમામ સભ્યોને નોટિસ બજાવી હતી. જેથી આજરોજ પાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભાની બેઠક મળી હતી. જેમા ૩૬ પૈકી ૩૧ સભ્યો હાજર હતા. આ સભ્યોની ઉપસ્થિતીમાં અવિશ્વાસની દરખાસ્ત સંદર્ભે મતદાન થયું હતુ. જેમા દરખાસ્તની તરફેણમાં રપ અને દરખાસ્તની વિરૂદ્ધમાં ૬ મત પડ્યા હતા. જેથી અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા પ્રમુખની ખુરશીના પાયા હચમચી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દરખાસ્તની તરફેણમાં રપ પૈકી  ભાજપના ૧૪ સભ્યોએ સમર્થન આપતા રાજકીય હડકંપ મચી ગયો હતો. ભાજપ દ્વારા વ્હિપ આપ્યો હોવા છતા ૧૪ સભ્યોએ અનાદર કરી દરખાસ્તની તરફેણ કરતા આગામી સમયમાં રાજકીય ગરમાવો રહેવાની વાત ટોક ઓફ ધ ટાઉન બની હતી.

પ્રમુખની ચૂંટણી માટે કાર્યવાહી થશે – સીઓ

આ  અંગે બોરસદ પાલિકાના ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાએ જણાવ્યું હતુ કે હવે પ્રમુખની જગ્યા ખાલી પડી છે. જેથી પ્રમુખની ચૂંટણી કરવા ત્રણ દિવસ બાદ જીલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે. ઉપપ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્ત સંદર્ભે કહ્યું હતુ કે આ અંગે હજી સુધી કોઈ નિર્ણય થયો નથી.

વ્હિપનો અનાદર શિસ્તભંગ ગણાશે – કાંતિભાઈ

આજની ખાસ સામાન્ય સભાનું કામકાજ શરૂ થતા પહેલા પ્રાંત અધિકારીએ જણાવ્યું હતુ કે ગુજરાત પક્ષાંતર ધારા થકી સત્તા મંડળના સભ્યોને ગેરલાયક ઠરાવવાની જાેગવાઈ અધિનિયમ ૧૯૮૬થી પ્રત્યેક કાયદા અંતર્ગત ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સરકારી જાહેરનામા ક્રમાંક એપી-ર૦૦૭/નં.૧/એમઆઈએસસી/૧૦ર૦૦૬૪૦૩જીના ઠરાવ મુજબ રાજકીય પક્ષ પોતાના અધિકૃત પ્રતિનિધી મારફતે વ્હિપ સભામાં રજૂ કરી શકે છે અથવા વંચાણે લઈ શકે છે. જે મુજબ જિલ્લા ભાજપ પ્રમુખને મળેલ સત્તાની રૂઈએ મોકલેલ પ્રતિનિધી કાંતિભાઈ ચાવડાએ વ્હિપનું વંચાણ કરતા જણાવ્યું હતુ કે ભાજપના મેન્ડેટ ઉપર નગરપાલિકાના ચૂંટાયેલ સભ્યોએ ઉપસ્થિત રહી અવિશ્વાસની દરખાસ્ત વિરૂદ્ધ મતદાન કરવાનું રહેશે. જો વ્હિપનો અનાદર કરવામાં આવશે તો તે શિસ્તભંગ ગણાશે.

અમોને વ્યક્તિનો વિરોધ છે – અસંતુષ્ટ સભ્યો

બોરસદ  નગરપાલિકામાં ભાજપ વિરૂદ્ધ ભાજપની સ્થિતી સર્જાતા અસંતુષ્ટ સભ્યો પૈકી રીતેશભાઈ પટેલે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતુ કે હાલના ચીફ ઓફિસર બોરસદ પાલિકામા અગાઉ ફરજ બજાવી ચુક્યા હતા. તેઓના કાર્યકાળ દરમિયાન અનેક વખત ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. છતા વર્તમાન બોર્ડના પ્રમુખ આરતીબેન પટેલ એ જ ચીફ ઓફિસરને પરત લાવ્યા, જે હાલ ફરજ બજાવે છે. આ બંન્નેની મિલીભગતથી ભ્રષ્ટાચાર થતો હોવાની વાત ચર્ચાસ્પદ બનવાનું રીતેશભાઈએ જણાવ્યું હતુ. વધુમા તેઓએ કહ્યું હતુ કે અગાઉના બોર્ડ દ્વારા જે કામો મંજૂર થયા હતા તે સિવાયના કોઈ વિકાસલક્ષી કામ થયા નથી. સભ્યોના કામો પણ થતા નથી. જેથી અમોને ભાજપનો નહી પરંતુ પ્રમુખનો વ્યક્તિગત વિરોધ છે. અમે આગામી વિધાનસભા ચૂંટણીમા પણ ભાજપ માટે જ કામ કરવાના છે. બોરસદ પાલિકામાં પણ ભાજપ પૈકીના જ સભ્ય પ્રમુખ બનશે. આ અંગે પાર્ટીના નેતાઓ સાથે પણ ચર્ચા કરીશુ

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular