Tuesday, April 28, 2026
HomeNationalઆતંકવાદ-વિરોધી દરોડામાં પૉપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયાના 100થી વધુ સદસ્યોની ધરપકડ

આતંકવાદ-વિરોધી દરોડામાં પૉપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયાના 100થી વધુ સદસ્યોની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ગુરુવારે સવારે ઘણા રાજ્યોમાં પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) સાથે જોડાયેલા પરિસરો પર દરોડા કર્યા હતા. પીએફઆઈ સામે મોટા પાયે કાર્યવાહીમાં, ઉત્તર પ્રદેશ, કેરળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ સહિત અન્ય રાજ્યોમાં રેડ કરવામાં આવી છે. સરકારી સૂત્રો તરફથી મળી રહેલી જાણકારી અનુસાર દેશવ્યાપી દરોડામાં પીએફઆઈના 100થી વધુ ટોચના નેતાઓ અને પદાધિકારીઓને ઝડપી પાડી લેવામાં આવ્યા છે. એનઆઈએ, ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને પોલીસે સાથે મળી આ કાર્યવાહી કરી છે.

આ પહેલા 18 સપ્ટેમ્બરના રોજ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના 40 સ્થળો પર આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાના આરોપમાં દરોડા પાડ્યા હતા. એજન્સીએ તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં આ કાર્યવાહી કરી હતી. કાનપુર હિંસા, આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા અને ધર્મના આધારે નફરત ફેલાવવાના ઘણા આરોપો PFI પર છે. દિલ્હીમાં CAA આંદોલનથી લઈને મધ્ય પ્રદેશના મુઝફ્ફરનગર, શામલી અને ખરગોનમાં થયેલી સાંપ્રદાયિક હિંસા સુધી, તે PFI સાથે જોડાયેલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

- Advertisement -

તમને જણાવી દઈએ કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની શરૂઆત વર્ષ 2006માં કેરળમાં થઈ હતી. PFI 2006માં ત્રણ મુસ્લિમ સંગઠનોના વિલીનીકરણ બાદ અસ્તિત્વમાં આવ્યું હતું. ત્રણ સંગઠનો રાષ્ટ્રીય વિકાસ મોરચા, કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિટી અને તમિલનાડુની મનીતા નીતિ પાસરી હતા. 1992માં બાબરી મસ્જિદના ધ્વંસ બાદ દક્ષિણમાં આવા અનેક સંગઠનો સામે આવ્યા હતા. તેમાંથી કેટલાકને મર્જ કરીને PFIની રચના કરવામાં આવી હતી. ત્યારથી આ સંસ્થા દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરે છે.

તેના 16 વર્ષના ઈતિહાસમાં PFI દેશના 23 રાજ્યોમાં એકમો હોવાનો દાવો કરે છે. આ સંસ્થા દેશમાં મુસ્લિમો અને દલિતો માટે કામ કરે છે. આ સંસ્થા મધ્ય પૂર્વના દેશો પાસેથી નાણાકીય મદદ પણ માંગે છે, જેમાંથી તેને નોંધપાત્ર ભંડોળ મળે છે. PFIનું મુખ્યાલય કોઝિકોડમાં હતું, પરંતુ સતત વિસ્તરણને કારણે તેનું કેન્દ્રીય કાર્યાલય રાજધાની દિલ્હીમાં ખોલવામાં આવ્યું છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular