નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ હાલના સમયમાં લોકો સોશિયલ મીડિયાના અલગ-અલગ માધ્યમો થકી લોભામણી વાતોમાં આવીને છેતરાતા હોવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા પણ સતર્ક રહેવા માટે અનેક જાહેરાતો કરવામાં આવતી હોય છે. તેમ છતાં લોકો અજાણ્યાના સંપર્કમાં આવીને તેમની જાળમાં ફસાતા હોય છે. ત્યારે આવો જ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. વિદેશ જવાની ઘેલછામાં લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, આરોપીઓએ પાટીદાર સમાજના એક વોટ્સ એપ ગ્રુપમાં મેસેજ કર્યો હતો કે, ફક્ત પાટીદાર સમાજના છોકરાઓ માટે કેનેડા વર્ક પરમીટ વીઝા તદ્દન વ્યાજબી ભાવે મેળવો. આવી લોભામણી જાહેરાત કરતા ગ્રુપના કેટલાક સભ્યોએ આરોપીનો સંપર્ક કરતાં આરોપીએ અંબાજી ખાતે એસ.ટી ડેપો મેનેજર ક્લાસ 2 અધિકારી હોવાની ઓળખાણ આપીને ગ્રુપના સભ્યોને વિશ્વાસમાં લીઘા હતા. ઉપરાંત અરજદાર પાસેથી વર્ક પરમીટ વીઝા માટે 8.50 લાખનો ખર્ચ જણાવીને 2.50 લાખ પ્રોસેસ ફીના નામે આપવાના કહ્યા હતા. જેથી અરજદારે બેંક મારફતે આરોપી કલ્પેશ પટેલ અને તેમના પત્ની હિના પટેલના નામનો ચેક આપ્યો હતો.
વર્ક પરમિટના નામે એક વર્ષથી પૈસા લઈ લીધા છતાં વીઝા આજદિન સુધી ન આપતા અરજદારે પોલીસનો સહારો લેવા પડ્યો હતો. ઉપરાંત ગઠિયાઓએ અરજદારની જાણ બહાર વિઝીટર વીઝાની ફાઈલ તૈયાર કરાવીને પોતાનું કમિશન મેળવી લીધું હતું. જ્યારે અન્ય આરોપી ગણપત પટેલ, શ્વેતા પટેલ અને રૂત્વિક પટેલે ફાઈલ સબસીસન માટે આપીને પોતાનું કમિશન કાપી ફરિયાદીને ખોટા એલ.એમ.એ.આઈ લેટર તેમનું મેડીકલ અને બાયોમેટ્રીક્સ ટેસ્ટ આજદિન સુધી કરાવ્યો ન હતો. સમગ્ર બાબતે અમદાવાદના ફરિયાદીએ પોલીસનો સહારો લેતા ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આરોપીઓએ વર્ક પરમિટની લાલચ આપીને વીઝાના નામે ફરિયાદી લાલજી પટેલ ઉપરાંત અન્ય ભોગ બનારા પ્રણય પટેલ, જયદિપ પટેલ, પ્રતિક પટેલ, નૈનેશ પટેલ, મનોજ પટેલ અને ઉત્કર્ષ પટેલ પાસેથી અઢી-અઢી લાખ પડાવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગણપત પટેલ અને શ્વેતા પટેલે બન્નેએ મહેસાણા અને સુરતમાં ઓફિસ પણ શરૂ કરી હતી. જ્યા લોકોને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરતા હતા. હાલ આ કેસમાં પોલીસે આરોપી કલ્પેશ પટેલ, હિના પટેલ, બાબુ પટેલ, રૂત્વિકકુમાર પટેલને ઝડપી પાડ્યા છે. જ્યારે ગણપત અને શ્વેતા હજી પોલીસ પકડથી બહાર છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે, આવી રીતે બીજા લોકો પણ ભોગ બન્યા હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે.








