નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરતના અલથાણમાં સ્કૂલ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પુર ઝડપે આવતી કાર સીધી જ સ્કૂલ વાનમાં ઘૂસી ગઈ હતી. અથડાવાને કારણે 8 બાળકોને ઈજા થઈ હતી અને 1 બાળકીની હાલત ગંભીર હોવાની વિગતો સામે આવી રહી છે. આ અકસ્માતમાં વાહનોના કચ્ચરઘાણ વળી ગયા હતા.
આપણે ત્યાં સ્કૂલ વાન પણ કેટલી બેફામ ચાલે છે તે સહુ કોઈ જાણે છે અને વાહનો પણ કેવા બેફામ બન્યા છે તે પણ લોકો જાણે છે. સુરતના અલથાણ વિસ્તારમાં એક ગોઝારા અકસ્માતની ઘટના બની હતી. આજે મંગળવારે સુરતના અલથાણ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ભરેલી એક સ્કૂલ વાન જતી હતી ત્યારે એક કાળા રંગની કિયા કારે પુર ઝડપે ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે સ્કૂલ વાન ત્યાં જ પલ્ટી મારી ગઈ હતી. આ સ્કૂલ વાનમાં 9 બાળકો સવાર હતા. અકસમાત થતા જ ત્યાં ટોળે ટોળા આવી ગયા હતા. અકસ્માતને કારણે સ્કૂલ વાનના એક તરફના દરવાજા સાવ દબાઈ ગયા હતા. અકસ્માત એવો હતો કે ધડાકા ભેર કિયા કાર સ્કૂલ વાનની અંદર ઘૂસી ગઈ હતી.

બનાવને પગલે લોકોના ટોળા સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમણે તુરંત બાળકોને બહાર કાઢવાની કાર્યવાહી આરંભી દીધી હતી. ઈજાગ્રસ્ત બાળકોને તુરંત હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં અકસ્માતમાં એક બાળકીની હાલત ગંભીર હતી. તેને પણ સારવરા હેઠળ પહોંચાડવામાં આવી હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેને જોઈને આપ પણ ચોંકી જશો કે કેટલી ગંભીર ટક્કર હતી. સ્કૂલ વાન સેફ્ટીમાં કેટલી સેફ છે તે પણ હવે જોવું રહ્યું. કારણ કે આ સમગ્ર અકસ્માતને કારણે વાલીઓના જીવ અધ્ધર થઈ ગયા છે. પોતાના ફુલ જેવા બાળકોને સેફ જોવા માગે છે. પોલીસે આ સમગ્ર બનાવને પગલે કાર્યવાહી હાથ ધરી છે.








