નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા નેતાઓ દ્વારા લોક સંપર્ક કરવાનું શરૂ કર્યું છે. ત્યારે કેટલીક જગ્યાએ નેતાઓ પર હુમલાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં લોકોની પરેશાની દૂર કરવા પોંહચેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર હુમલો કરવામાં આવ્યો છે. જો કે હુમલો કરનાર પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો ફોલ્ડર હોવાનો આક્ષેપ જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યો છે.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા સરકારી આવાસના મકાનોમાં ઘણા સમયથી ચાલી રહેલી ગેર કાયદેસર પ્રવૃત્તિ સામે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તેઓ દ્વારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇ જીગ્નેશ મેવાણી દ્વારા વિસ્તારના નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતા 1000થી વધારે પરિવારોની મુલાકાત લેવામાં આવી હતી. જીગ્નેશ મેવાણી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ જગ્યાએ કાયદા વિરુદ્ધ ખોટા મકાનો ભાડે ચઢાવામાં આવ્યા હતા જે આવાસ યોજનાના નિયમ વિરુદ્ધ છે. દારૂનો વ્યાપાર ખુલ્લેઆમ ચાલી રહ્યા હતો. ખોટા દસ્તાવેજો ઊભા કરી ચૂંટણીઓ યોજાઈ રહી હતી. મહિલાઓને ખુલ્લેઆમ ગાળો આપવામાં આવતી હતી. આ તમામ બાબતોને લઈ રામોલ પોલીસ, અમદાવાદ મુનીસિપલ કોર્પોરેશન અને ડીસીપી કક્ષાએ અનેક વાર લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તેઓની આજ દિન સુધી કોઈ જ સુનવણી થઈ નથી.
આ પીડિતોની મુલાકાત લેવા જ્યારે જીગ્નેશ મેવાણી ગયા હતા. ત્યારે જાહેર મંચ પર લાભુ દેસાઈ દ્વારા હુમલો કરવામાં આવે છે. ઉપરાંત કાર્યક્રમને બરખાસ્ત કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સમગ્ર બાબતે જીગ્નેશ મેવાણી દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે, નર્મદા એપાર્ટમેન્ટ વસ્ત્રાલ ખાતે જીગ્નેશભાઈ મેવાણીની સભામાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના ફોલ્ડર લાભુ દેસાઈ દ્વારા સ્ટેજ ઉપર ચઢી પોલીસની હાજરીમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો. સેકડો લોકોની હાજરીમાં કાર્યક્રમમાં તોડફોડ કરી કાર્યક્રમને બંધ કરાવવાની કોશીશ કરી હતી.








