મિલન ઠક્કર (નવજીવન ન્યૂઝ અમદાવાદ): હાલમાં વધી રહેલા સાયબર ફ્રોડના કિસ્સામાં મહદઅંશે ઘટાડો થાય એ હેતુથી GCS (ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક લિ.) દ્વારા બે દિવસીય ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના શાસ્ત્રીનગર ખાતે આવેલા સરદાર પટેલ ઓડિટોરિયમ હોલમાં શનિવાર અને રવિવારે આ ટ્રેનિંગ યોજાશે. જેમાં ગુજરાત રાજ્યની 214 અર્બન બેન્ક અને 18 ડિસ્ટ્રિક્ટ બેન્કના અધિકારી/કર્મચારી ભાગ લેશે.
બેન્કના ચેરમેન અજયભાઈ પટેલે નવજીવન ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વધતા જતા સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય, એના માટે શું તકેદારી રાખવી અને શું ન કરવું જેવા વિષયો પર બેન્કના કર્મચારીઓને તાલીમ અપાશે. તાલીમમાં નાબાર્ડ (NABARD) અને RBI (Reserve Bank Of India)ના મહત્ત્વપૂર્ણ નિર્દેશો વિષે પણ તાલીમાર્થીઓને અવગત કરવામાં આવશે.
રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી (ગાંધીનગર)ના વાઇસ ચાન્સેલર બિમલ પટેલના જણાવ્યા મુજબ, બે દિવસ આઠ-આઠ કલાકની તાલીમ શિબિર દરમિયાન રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અને TCS (IT કંપની)ના નિષ્ણાતો (Experts) કર્મચારીઓને માર્ગદર્શન આપશે. સાથે સાથે ફોરેન્સિક સાયન્સના નિષ્ણાત પણ આ વિષયે ચર્ચા કરશે. સાયબર ફ્રોડ થયા પછી એને ટ્રેક કરવા માટે AI (artificial intelligence) અને OSINT (open source intelligence)નો ઉપયોગ કેવી રીતે કરવો એની પણ તાલીમ આપવામાં આવશે.
આ બેન્કોના લગભગ 22000 જેટલા કર્મચારી છે. તમામને શિબિરમાં રૂબરૂ સહભાગી કરવાનું મુશ્કેલ છે. જેથી તેઓને આ શિબિરના વિડીયો મારફતે તાલીમ અપાશે. ત્યારપછી આ બેન્કોના એક કરોડ દસ લાખ ગ્રાહકો સુધી પણ આ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે.
અમદાવાદ: સાયબર ફ્રોડથી બચવા શું કરવું અને શું ન કરવું એની તાલીમ અપાશે બેન્કના કર્મચારીઓને
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -








