નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના નેટવર્ક રીતસરની તવાઈ બોલાવી છે. જે મુદ્દાને લઈને હાલમાં જ વિપક્ષો દ્વારા ગુજરાતમાં ડ્રગ્સ વારંવાર પકડાતા હોવાને લઈ ભાજપ પર આકરા પ્રહાર કરવાના શરૂ કર્યું હતું. જોકે તેના જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, આ ડ્રગ્સ પોલીસ પકડે છે ત્યારે પકડાય છે, કોઈ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં આવીને જમા કરાવી જતું નથી. તેના માટે પોલીસ જોખમ લઈને કામગીરી કરે છે તો પકડાય છે. અમારી આ લડાઈ રાજ્યના યુવાનોનું જીવન સુધારવાની લડાઈ છે. અમે આ લડાઈને હજુ આગળ વધારીશું.
તેમણે કહ્યું, ગોળીઓ ચાલતી હોય તેવા જીવના જોખમ વચ્ચે પણ ગુજરાત પોલીસે કોસ્ટગાર્ડ સાથે મળી, ડીઆરઆઈ સાથે મળી વિવિધ એજન્સીઓ સાથે મળી કામગીરી કરી છે. છેલ્લા એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. ગુજરાત પોલીસે જે પ્રકારે નવી દિલ્હીમાં બે ત્રણ દિવસ પહેલા ત્યાંની ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને જે પ્રમાણે કામ કર્યું તેમાં અફ્ઘાની નાગરિકની ધરપકડ કરી હતી. ગુજરાત પોલીસની બાતમીથી આ ઓપરેશન પાર પડ્યું હતું. જેના કારણે તેની લીંકમાં દિલ્હી પોલીસને 1000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળ્યું. ગુજરાત પોલીસની બાતમી આધારે બીજા પણ રાજ્યોને ડ્રગ્સ પકડવામાં સફળતા મળી છે. આ બધા આંતરરાષ્ટ્રીય ગેંગના સભ્યો છે. પંજાબની જેલમાંથી નેટવર્ક ઓપરેટ થતા હતા. પંજાબ પોલીસે ગુજરાત પોલીસનો આભાર માન્યો છે.
તેમણે કહ્યું કે, 39 કિલો કોલકત્તામાંથી ડ્રગ્સ ઝડપી પાડ્યું. આપણે સહુ જાણીએ છીએ કે આપણી ધરતી દેશના યુવાનોને દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં રોજગારી પુરી પાડે છે. આપણા રાજ્યને બદનામ કરવાના પ્રયત્નો થાય છે. ગુજરાત પોલીસે જે ડ્રગ્સ વિરોધી મુહીમ ચલાવી તેના આંકડા સ્ટડી કરવા જોઈએ. દેશ ના તમામ રાજ્યોના આંકડાઓ સાથે સરખાવવા જોઈએ. રાજનીતિ તરીકે અમારી કામગીરી સામે વાત થાય તે ઠીક છે પરંતુ ગુજરાત પોલીસે કરેલી ડ્રગ્સ વિરોધી કામગીરીને લઈને રાજનીતિ કરવી ન જોઈએ. અમે ડ્રગ્સ પકડીએ છીએ એટલે આંકડા દેખાય છે. બીજે ક્યાંય આંકડા દેખાતા નથી. અમે ડ્રગ્સ પકડીએ છીએ એ અમારી કટીબદ્ધતા છે. ડ્રગ્સના આંકડા દેખાય છે અને હજુ પણ દેખાશે, અમે તેમાં બાંધછોડ નહીં કરીએ. હું ગુજરાત પોલીસના જવાનોને અભિનંદન આપું છું. લોકોને પણ આ માહિતી પોલીસ સુધી પહોંચાડવાની ઈનામની રકમ અપાય છે. અન્ય રાજ્યો આ પ્રકારની રિવર્ડ પોલીસીના કાગળો મગાવે છે.








