મિલન ઠક્કર (નવજીવન ન્યૂઝ અમદાવાદ):આસ્થા અને આનંદ તો મનના વિષય છે. એને કોઈ દીવાલ કે સીમાડા નડતા નથી. અમદાવાદની સાબરમતી જેલમાં (Sabarmati Jail) અનેક મંદિર આવેલાં છે. એ સિવાય પણ દરેક બંદીવાન પોતાની આસ્થા અને શ્રદ્ધા મુજબ પૂજા, નમાજ કરે છે. દિવાળી, ઈદ, નવરાત્રી, શ્રાવણ મહિનો, રમજાન માસ જેવા તહેવાર પણ જેલમાં અલગ અલગ પ્રકારે ઉજવાતા હોય છે.
સોમવારે રામાપીરના નોરતા (Ramdev Navratri) પૂરા થતા હોવાથી જેલમાં રવિવારે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે સાથે રામદેવ પીરની (Ramdev Pir)પૂજા, આરતી અને ગરબાનું પણ આયોજન કરાયું હતું. જેમાં લગભગ 150 જેટલા બંદીવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. એટલું જ નહીં રવિવારે આખી સાબરમતી જેલમાં રહેલા પુરુષ અને મહિલા બંદીવાનો માટે દૂધપાક, ઊંધિયું અને પૂરીની પ્રસાદી પણ આપવામાં આવી અને સોમવારે જેલના તમામ બંદીવાનને કુલ 510 કિલો મહાપ્રસાદ પીરસવામાં આવ્યો.
સાબરમતી જેલમાં આવેલા બડા ચક્કર યાર્ડની બેરેક 2-આફ્ટરમાં ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. બડા ચક્કર યાર્ડમાં જ રામદેવ પીરનું મંદિર (Ramdev Pir Temple in Jail) આવેલું છે. જેમાં બંદીવાનોને અખૂટ શ્રદ્ધા છે. દર વર્ષે રામાપીરના નોરતામાં મંદિરે નેજા ચઢાવવામાં આવે છે અને બંદીવાનો નિયમિત રીતે મંદીરમાં પૂજા, આરતી કરે છે. તથા વહેલી જેલમુક્તિ અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરે છે.
લગભગ છેલ્લા પંદરેક વર્ષથી દર વર્ષે નિયમિત રીતે રામાપીરના નોરતા ઉજવવામાં આવે છે. જોકે છેલ્લા બે વર્ષથી કોરોનાની ગાઈડ લાઈનને કારણે આ શક્ય બન્યું નહોતું. પરંતુ આ વર્ષે ઉત્સવ થવાથી બંદીવાનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.








