પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.વલસાડ): વલસાડના ચકચારી સિંગર વૈશાલી બલસારા મર્ડર કેસમાં મર્ડર પ્લાન કરનાર બબિતા શર્માની પોલીસે ધરપકડ કર્યા પછી વલસાડ પોલીસને હત્યા કરનારા ત્રણ આરોપીઓ પૈકી એક આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. પોલીસે તેને પંજાબના લુધીયાણાથી ઝડપી પાડ્યો છે. જ્યારે ત્રણ દિવસના રિમાન્ડ પર રહેલી બબિતાએ કોર્ટ સામે પણ કેટલુક જુઠું રજૂ કર્યું હોવાના પોલીસે પુરાવા આપતા બબિતાને વધુ ત્રણ દિવસ રિમાન્ડ પર રાખવાનો કોર્ટે હુકમ કર્યો છે.
તા. 27 ઓગસ્ટના ગુમ થયેલી વૈશાલી બલસારાની લાશ તેની જ કારમાંથી પારડીથી મળી આવી હતી. આ મામલે વલસાડ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસ સામે તપાસ દરમિયાન તેની મિત્ર બબિતા શર્માનું નામ આવ્યું હતું. બબિતા શર્મા તેની જ બહેનપણી હતી અને તેણે વૈશાલી પાસેથી ઉધાર લીધેલા 25 લાખ રૂપિયા પરત આપવા ન પડે તે માટે ત્રણ ભાડૂતી હત્યારાઓને બોલાવી રૂપિયા 8 લાખમાં સોપારી આપી વૈશાલીની હત્યા કરાવી હતી.
પોલીસ કસ્ટડીમાં રહેલી બબિતાએ પોલીસ અને કોર્ટને જણાવ્યું હતું કે, તે ગર્ભવતી છે અને 9મો મહિનો પસાર થઈ રહ્યો છે. એટલે અદાલતે ડોક્ટર અને એમ્બ્યૂલન્સ હાજર રાખી બબિતાની પુછપરછ કરવા પોલીસને આદેશ આપ્યો હતો. બીજી તરફ વલસાડના એસપી રાજદીપસિંહ ઝાલાએ અલગ અલગ ટીમ બનાવી ગુજરાત છોડી ચુકેલા હત્યારાઓને ઝડપી લેવા રવાના કર્યા હતા. દરમિાયન એસપી ઝાલાને જાણકારી મળી હતી કે પંજાબના લુધીયાણા પાસે આવેલા એક ગામમાં આરોપી ત્રિલોક સિંગ છુપાયો છે. એસપી રાજદીપસિંહ ઝાલાએ પંજાબ પોલીસની મદદ માગી હતી. પંજાબ પોલીસ અને વલસાડ પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ત્રિલોક સિંગને ઝડપી લીધો છે. વલસાડ પોલીસની ટીમ ત્રિલોક સિંગને લઈ ગુજરાત આવવા રવાના થઈ ચુકી છે.
રિમાન્ડ દરમિયાન બબિતા શર્મા અનેક બાબતો છૂપાવી રહી છે તેવી જાણકારી પોલીસને મળી હતી. વૈશાલી પાસેથી ઉધાર લીધેલા 25 લાખ રૂપિયા ક્યાં ખર્ચ્યા તે બાબત જણાવી શક્તી નથી. બબિતાનો દાવો હતો કે, તેને 9મો મહિનો પસાર થઈ રહ્યો છે, પરંતુ બબિતાની સારવાર કરનાર ડોક્ટરે પુછપરછ કરતાં બબિતાની ડિલિવરી ડેટ, ઓક્ટોબર મહિનામાં છે. પોલીસે આ તમામ બાબતો કોર્ટના ધ્યાનમાં મુકતા કોર્ટે વધુ ત્રણ દિવસના રિમાન્ડ આપવાનો હુકમ કર્યો છે.