નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ અલગ અલગ સરકારી વિભાગો દ્વારા પોતાના પડતર પ્રશ્નોની માગને લઈને આંદોલન શરૂ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં પોલીસ વિભાગ દ્વારા ગ્રેડ પેની માગને લઈને જે ડિજિટલ આંદોલન કરવામાં આવ્યું તેના પરિણામ સ્વરૂપ તેમને સરકાર તરફથી એક ખાસ ભંડોળ આપવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ જાહેરાત બાદ પણ પોલીસ વિભાગ ગુજરાત સરકરથી નારાજ હોય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે, ત્યારે આજથી હવે ગુજરાત સરકારના શિક્ષકો પણ પોતાના પડતર પ્રશ્નોને લઈને સોશિયલ મીડિયા ઉપર ડિજિટલ આંદોલન શરૂ કરી રહ્યા છે.
શું છે શિક્ષકોની માગ?
ગુજરાતનાં શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા, ગ્રેડ પે વધારવા અને સાતમું પગાર પંચ લાગુ કરવાના પડતર પ્રશ્નોને લઈને ડિજિટલ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતનાં શિક્ષકો પોતાનો વિરોધ દર્શાવતો ફોટો પોતાના સોશિયલ મીડિયા ઉપર શેર કરી રહ્યા છે. આ મુદ્દે શિક્ષકો દ્વારા દરેક જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને તેમની માગ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ડિજિટલ આંદોલનમાં શું કરવામાં આવશે?
શિક્ષકો આજે જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ પોતાના સોશિયલ મીડિયામાં ‘હર ઘર પેન્શન’ તેમજ ‘મારા પરિવારનો મત જૂની પેન્શન યોજના’ આ પ્રકારના લખાણ સાથે ફોટોસ અને સ્ટેટસ મૂકશે. જોકે આ સમગ્ર આંદોલન દરમિયાન પ્રાથમિક ધોરણે શિક્ષણકાર્ય રોકવામાં આવશે નહીં. ત્યાર બાદ શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરીને શિક્ષણકાર્ય કરાવશે. ત્યાર બાદ પણ જો સરકાર તેમની રજૂઆત નહીં સાંભળે તો તેમણે પેન ડાઉન કરશે અને પોતાની રજૂઆત સરકાર સુધી પહોંચાડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ગુજરાતની ભાજપ સરકાર માટે અનેક પડકાર ઊભા થયા છે. જેમાં ગુજરાત સરકારના જ કેટલાક વિભાગો દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ગુજરાતનાં રાજકારણમાં નવી ઊભી થયેલી આમ આદમી પાર્ટી આ તમામ નારાજ વર્ગોને તેમની માગ પૂરી કરવાની જાહેરાત કરી રહી છે. ત્યારે ભાજપ માટે આ શિક્ષકોની માગ તેમજ અન્ય નારાજ વિભાગો અને લોકોની માગ સંતોષવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.








