નવજીવન ન્યૂઝ.ઉનાઃ ઉનાના નાથળ ગામ બાયપાસ નજીક સીએનજી કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી અચાનક સળગતી કારન કાબુ કરતી વેળા ડ્રાઇવર પગના ભાગે દાઝી જતા અને છાતીના ભાગે સ્ટેરીંગની ગંભીર ઈજાઓ થતા કારમાં જ મૃત્યુ પામ્યા હતા તેમજ તેમની સાથે અન્ય ૨ લોકોને ઈજાઓ થઈ હતી પરંતુ સદભાગ્યે તેમનો બચાવ થયો હતો. જ્યારે મુખ્ય માર્ગ પર જ મધરાત્રે ઘટના બનતા વાહનો થંભી ગયા હતા. આગમાં કાર બળીને ખાખ થઇ ગઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સાણંદના મેલાસણ ગામેથી મૃતક દિનેશ રતુભાઈ સેનવા (ઉ ૪૦. રહે મેલાસણ ધંધો ડ્રાઈવર) હંસુ રામ સાધુ (ઉ.૫૩ રહે. કુંડળ) તથા પ્રહલાદ મોહન સેનવા (ઉ.૫૦) ૧૫ દિવસ પૂર્વે સીએનજી હ્યુન્ડાઈ કંપનીની વર્ના સેકન્ડમાં કાર ખરીદી હતી. તેથી હરસિધ્ધિ માતાના દર્શન કરી, દ્વારકા, સોમનાથ સહિતના યાત્રાધામ થઈ સાળંગપુર દર્શનાર્થે પોતાની કારમાં સવાર થઈ નીકળ્યા હતા. ત્યારે મધરાત્રે ઉનાના નાથળ ગામ નજીક પહોંચતા સીએનજી કાર નં જીજે૦૧કેએફ ૦૨૩૬ માં અચાનક આગ ફાટી નીકળતા કાર ચાલક ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ૨ યુવકો સમય સૂચકતા વાપરી કારના દરવાજાઓ તોડી બહાર નીકળી ગયા હતા. આ ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિનો બચાવ થયો હતો. જ્યારે એકનું મોત થયું હતું. આગ લાગવાને કારણે નેશનલ હાઇવે પરનો વાહન વ્યવહાર થંભી ગયો હતો. તેમજ આગમાં કાર ક્ષણ વારમાં જ બળીને ખાસ થઈ ગઈ હતી. 108 ને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તમામને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત મૃતકને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવની જાણ ઉના ધારાસભ્ય પુંજાભાઈ વંશને થતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને મૃતક યુવકના પરિવારને જાણ કરાતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.