Saturday, May 9, 2026
HomeGujaratગ્રેડ-પે આંદોલન મામલે સસ્પેન્ડ થયેલા ASI જગદીપસિંહે કહ્યું- 'પોલીસમાં ભય ફેલાવવાના ઉદેશ્યથી...

ગ્રેડ-પે આંદોલન મામલે સસ્પેન્ડ થયેલા ASI જગદીપસિંહે કહ્યું- ‘પોલીસમાં ભય ફેલાવવાના ઉદેશ્યથી મને સસ્પેન્ડ કરવામાં આવ્યો’

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા મહિનાઓથી પોલીસ દ્વારા ગ્રેડ પેના મુદ્દાને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગ માટે એક ભથ્થાની જાહેરાત કરવામાં આવી છે. આ ભથ્થાની જાહેરાત બાદ પણ પોલીસ વિભાગ ગુજરાત સરકારથી નારાજ છે તેનું કારણ છે કે પોલીસ કર્મચારીઓની મૂળ માગ ગ્રેડ પે વધારવાની હતી, પરંતુ સરકારે ભથ્થાની જાહેરાત કરી છે. આ ભથ્થાની જાહેરાત બાદ પણ સરકાર દ્વારા એક એવો પરિપત્ર કરવામાં આવ્યો છે જે પોલીસ કર્મચારીઓને ભથ્થા દ્વારા પગાર વધારો મળ્યો છે તેમણે એવી બાંહેધરી આપવાની રહેશે કે તેઓ ભવિષ્યમાં સંગઠિત કે અસંગઠીત રીતે કોઈ પગાર વધારાની માગ કરશે નહીં.

એક તરફ પોલીસ કર્મચારીઓ સરકારના આવા પરિપત્રથી નારાજ છે, ત્યારે બીજી તરફ મહિનાઓ અગાઉ શરૂ થયેલા આંદોલનમાં ભાગ લેનારા કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ગત મોડી રાતે અરવલ્લીમાં ASI તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ વાઘેલાને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, તેમની ઉપર આરોપ છે કે પોલીસ ગ્રેડ પે આંદોલન દરમિયાન તેમણે પોલીસ પરિવારની મહિલાઓને ઉશ્કેરવાનું કામ કર્યું હતું.

- Advertisement -

સમગ્ર મામલે જયદીપસિંહ વાઘેલાએ નવજીવન ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “આ સમગ્ર મામલે તપાસ પૂરી થયા પહેલા પોલીસમાં ભય ફેલાવવાના ઉદેશ્યથી મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. હાલમાં સરકારના પરિપત્ર મુજબ જે બાંહેધરી માગવામાં આવી રહી છે તેમાં પોલીસ સહી કરી દે તેવા ઉદેશ્યથી મને સસ્પેન્ડ કરવાં આવ્યો છે.”

તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે, “જ્યારે આ આંદોલનની શરૂઆત થઈ ત્યારે હું મારી પત્ની સાથે મારી ડ્યૂટી પતાવ્યા બાદ ગાયો હતો અને તે પણ મારી પત્નીની તબિયત સારી ન હતી તેના માટે હું તેમની સાથે ગયો હતો, જેના કારણે મારી બદલી કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ જ્યારે ફરીથી પોલીસ પરિવારની મહિલાઓને સંવિધાનિક રીતે આંદોલન કરવું હતું તેના માટે તેમની અટકાયત કરવામાં આવી ત્યારે હું માત્ર કાર્યવાહી ઝડપી થાય તેવું કહેવા મારી પત્ની સાથે ગયો હતો. આ વાતને ધ્યાનમાં રાખીને મારી સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી હતી અને આ કાર્યવાહીની તપાસ પણ હજુ પૂરી થઈ નથી તેમ છતાં મને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, મારૂ આખરી નિવેદન લેવાનું પણ હજુ બાકી છે. જો મને ન્યાય નહીં મળે તો હું હાઈ કોર્ટ જઈશ.”

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular