નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ અંડરવર્લ્ડ ગેંગસ્ટર અને આતંકી કૃત્યોમાં સંડોવાયેલા દાઉદ ઈબ્રાહિમને પકડવામાં સફળતા અપાવે તેવી માહિતી આપનારને રોકડ ઈનામ જાહેર કર્યું છે. એનઆઈએએ દાઉદ અને તેની ડી ગેંગ સાથે જોડાયેલાઓની માહિતી આપનારાઓને ઈનામની મોટી જાહેરાત કરી છે. હવે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ માટે એનઆઈએએ 25 લાખના મોટા ઈનામની જાહેરાત કરી છે. સાથે જ એનઆઈએએ છોટા શકીલ પર 20 લાખનું ઈનામ મુક્યું છે.
આપને જણાવી દઈએ કે હથિયારોની તસ્કરી, વિસફોટકો, ડ્રગ્સ, નકલી ભારતીય કરન્સી સહિતના ઘણા ગુનાઓ માટે ભારતમાં જ હવે એક વધુ ડી કંપની સંગઠન બનાવ્યું છે જે પાકિસ્તાની એજન્સીઓ અને આતંકી સંગઠનો સાથે મળીને ભારતમાં આતંકી હુમલા કરવાના પ્લાન કરે છે.
આ પહેલા ગત મહિનામાં એનઆઈએએ મુંબઈથી દાઉદ ગેંગના બે સાથીઓને ઝડપી પાડ્યા હતા. આ બંને જ વસુલી, નશાના ધંધા અને આતંકી ગતિવિધિઓમાં શામેલ હતા તેવું બહાર આવ્યું હતું. તે બંનેના નામ આરિફ શેખ અને શબ્બીર શેખ છે. આ બંનેની ધરપકડ દાઉદ ઈબ્રાહિમ કાસ્કર અને તેના સહયોગીઓ સાથે જોડાયેલી ડી કંપનીના મામલામાં થઈ છે. બંને ડી કંપનીની ગેરકાયદે ગતિવિધિઓ અને ટેરર ફંડિંગ જેવા કામો શામેલ હતા.
એક રિપોર્ટ અનુસાર એજન્સીએ દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમ ઉર્ફ હાજી અનીસ, નજીકનાઓમાં જાવેદ પટેલ ઉર્ફે જાવેદ ચિકના, શકિલ શેખ ઉર્ફ છોટા શકિલ અને ઈબ્રાહિમ મુસ્તાક અબ્દુલ રજ્જાક મેમણ ઉર્ફ ટાઈગર મેમણ પર ઈનામનું એલાન કર્યું છે. દાઉદ અને શકીલ ઉપરાંત અનીસ, ચિકના અને મેમણ પર 15 લાખના ઈનામ મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એનઆઈએ દ્વારા આ જ વર્ષે ફેબ્રુઆરીમાં ઈબ્રાહિમ સામે નવો કેસ દાખલ કર્યો હતો. એજન્સીએ ખાસ ટુકડી પણ તૈયાર કરી છે. એક માહિતી પ્રમાણે ડી ગેંગ રાજનેતાઓ અને ધંધાદારીઓને નિશાનમાં લેવાની યોજના કરી રહ્યા છે.








