આદરણીય
હર્ષ સંઘવી સાહેબ,
તે દિવસે પોલીસ જ પોલીસની વોચ રાખતી હતી, પોલીસ સામે જ આકરા પગલા લેવાઈ રહ્યા હતા. હું એ દિવસોની વાત કરી રહી છું જ્યારે પોલીસ પોતાના ગ્રેડ પે સહિતની માગણીઓ અને ઈચ્છાઓ સાથે આંદોલન પર હતી. હું તે દિવસે જ્યારે જોતી કે આ તો આપણા જ આપણી સામે ઊભા રહી ગયા છે. ત્યારે ઘણી ગુસ્સે થઈ હતી. એક પરિવારનું સદસ્ય બીજા પરિવારની માગણી સામે આટલું આક્રમક વલણ અપનાવી શકે? મેં ઉપવાસ શરૂ કર્યા. તુરંત મને ઉપવાસ તોડવાનું કહેવા મારા ઉપરી અધિકારીઓ આવ્યા. તેમને મેં કહ્યું કે સરકાર સુધી આપણી વાત તો પહોંચવી જોઈએને. ત્યારે મને સરકાર સુધી વાત પહોંચી છે તેવું આશ્વાસન મળ્યું. આખરે મેં ઉપવાસ તોડ્યા.
જોકે થોડા જ વખત પછી મારી નવરંગપુરા પોલીસ મથક અમદાવાદથી બદલી, ફરી બદલી, ફરી બદલી થવા લાગી આખરે મારે જેલવાસ પણ આવ્યો. મને ફરી ગુસ્સો આવ્યો. આ વખતે ગુસ્સામાં નારાજગી વધુ હતી. મેં ઉપવાસ શરૂ કર્યા અને આ વખતે કોઈ નક્કર પરિણામ વગર ઉપવાસ તૂટી જાય નહીં તેથી મારે મક્કમ થવું જરૂરી હતું તેથી મેં મારા સંતાન અને માતા સાથે વાત ન કરવાનું નક્કી કર્યું. 9 દિવસ સુધી મેં કેવી રીતે દિકરા સાથે વાત કર્યા વગર કાઢ્યા તે મારું મન જાણે છે. આ દરમિયાન જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર અને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળને મળી.
સરકાર તરફથી ગૌતમ પરમાર હતા અને મધ્યસ્થી તરીકે પ્રશાંત દયાળ હતા. તેમનો આગ્રહ હતો કે મારે આમરણાંત ઉપવાસનો અંત લાવવો જોઈએ. મને પ્રશાંત દયાળે ત્યાં સુધી બાંહેધરી આપી કે જો સરકાર યોગ્ય નિરાકરણ નહીં લાવે તો હું પોતે આમરણાંત ઉપવાસ કરીશ અને તમારા માટે લડીશ. તેમની લડાયકતા અંગે હું પણ હું શંકામાં હતી. દરમિયાન ઘણાઓએ મને કહ્યું કે સરકાર પર વિશ્વાસ કરવો ભૂલ ભર્યો બની શકે, ઉપવાસ નહીં તોડવા કહ્યું પણ જાણે કુદરતે મને વિશ્વાસ મુકવા કહ્યું હોય તેમ મેં તે દિવસે ઉપવાસ તોડ્યા.
સરકાર પર મારો વિશ્વાસ તે પછી સતત ડગમગવા લાગ્યો. તે વખતે મારી ધીરજ ખુટવા લાગી હતી. મારી ધીરજ ખુટી રહી છે તેની અનુભુતિ ગૌતમ પરમાર સર, પ્રશાંત સર અને અહીં સુધી કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સરને પણ થઈ હતી. અહીં સુધી કે મેં પ્રશાંત સરને ફોન કરી કહ્યું કે બોલો હવે ઉપવાસ પર ક્યારે બેસવાના છો? જોકે મારો વિશ્વાસ ડગમગે તે પહેલા આપે તેનો એક સારું નિરાકરણ આપ્યું. તમે પોલીસ કર્મચારીઓના પગારમાં વધારો આપ્યો.
હું સરકારી કર્મચારી છું. પોલીસ અને સરકાર એક પરિવાર જ છે. તમે જ્યારે પગારના વધારાની જાહેરાત કરી ત્યારે હું મારા જેવા લાખો પોલીસ કર્મચારીઓના પરિવારની ખુશાલી અનુભવવા લાગી હતી. ગ્રેડ પેની અમારી માગણી જેટલું ન્હોતું પણ સરકારે આખરે અમારી ગણતરી પરિવારના સદસ્યની જેમ કરી તેનો મને આનંદ હતો. હું જેમ નારાજગી વ્યક્ત કરી શકી એમ હવે આભાર પણ વ્યક્ત કરવા માગતી હતી જેથી મેં ગૌતમ પરમાર સર અને પ્રશાંત સરનો આભાર માનવા તેમની મુલાકાત કરી અને હવે આપને પણ અહીં નવજીવન ન્યૂઝના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું. કારણ આખરે તો આપણે એક પરિવાર જ છીએ. ઘણી લાંબી વાત કરી લીધી પરંતુ હવે હું મારી વાતને વિરમું છું.
આપ આગળ પણ આપના પરિવારની કાળજી રાખશો તેવી આશા સાથે.
આપના પરિવારનું સદસ્ય
નીલમ મકવાણા








