નવજીવન ન્યૂઝ. ખેડાઃ સુરતમાં થોડાક સમય પહેલા ગ્રીષ્મા વેંકરિયા નામની યુવતીનું એક તરફી પ્રેમમાં પડેલા ફેનીલએ જાહેરમાં ગળુ કાપી હત્યા કરી દીધી હતી. આ બનાવ બાદ સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આવી જ ઘટના ખેડામાં સામે આવી છે. બહેનપણી સાથે મંદીરે દર્શન કરવા ગયેલી કિશોરીનું જાહેરમાં છરી વડે હુમલો કરીને કિશોરીને મોતને ધાટ ઉતારી દીધી છે. જો કે હુમલો કરનાર એક તરફી પ્રેમમાં પડ્યો હતો. પોલીસે હુમલો કરનારને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. જ્યારે મૃતકના પરિવારજનોએ આરોપીને જાહેરમાં ફાસીની સજા થાય તેવી માગણી કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ખેડા જીલ્લાના માતરના ત્રાજ ગામમાં રહેતી કૃપા પટેલ નામની 16 વર્ષની કિશોરી સાંજના 6 વાગ્યાની આસપાસ ગામમાં આવેલા મહાદેવના મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી. મંદિરેથી દર્શન કરીને પરત ફરતી વખતે બસ ટેન્ડ નજીક આવેલા ખોડિયાર પાન પાર્લરે કોલ્ડડ્રિંગ લેવા માટે ઉભી રહી હતી. આ દરમિયાન ગામમાં રહેતો અને એક તરફી પ્રેમમાં પડેલો રાજુ નામનો 46 વર્ષીય શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો. રાજુએ અચાનક જ પોતાના પાસે રહેલી છરી વડે કિશોરી પર તૂટી પડ્યો હતો.
રાજુએ કિશોરીનું ગળુ કાપી નાખ્યા બાદ પણ હાથ અને પગના ભાગે છરીના ધા માર્યા હતા. હુમલા બાદ કિશોરી લોહીમાં લથપથ થઈ ગઈ હતી અને પાન પાર્લર પાસે લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા. જો કે આ ઘટના બાદ આસપાસ ઉભેલા લોકોએ હુમલો કરનાર રાજુને દબોચી લીધો હતો અને પોલીસના હવાલે કર્યો હતો. જ્યારે કિશોરી ગંભીર રીતે ઘાયલ થતાં તેને ખેડાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબએ તેને મૃત જાહેર કરી હતી. આ બનાવના પગલે ઉચ્ચ અધિકારીઓનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. કિશોરીના મોતના કારણે ગામના લોકો રોષે ભરાયા હતા.
સમગ્ર બનાવ અંગે ખેડા જીલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, ખેડાના ત્રાજ ગામમાં કૃપા નામની કિશોરી પર રાજુ નામના શખ્સે જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેમાં કિશોરીનું મોત નીપજ્યું છે. મૃતક કૃપા અને આરોપી રાજુની ભત્રીજી બહેનપણી હતા. કૃપા અવાર-નવાર રાજુના ઘરે બહેનપણીને મળવા માટે આવતી હતી. જેના કારણે રાજુ સાથે સામાન્ય વાતચીત થતી હતી. જેથી રાજુ કૃપાના એકતરફી પ્રેમમાં પડ્યો હતો.
પોલીસે આરોપી રાજુની પુછપરછ કરતાં જણાવ્યું હતું કે, રાજુની ભત્રીજી અને કૃપા બંને સાથે અભ્યાસ કરતા હતા. જેના કારણે કૃપા સાથે પરિચય થયો હતો. એક તરફી પ્રેમમાં પડેલા રાજુના ઈરાદા કૃપાને ખબર પડી જતા તેણીએ રાજુ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. ઉપરાંત રાજુની ભત્રીજીના ઘરે આવવાનું પણ બંધ કરી દીધું હતું. જેથી રાજુને લાગ્યું કે કૃપા તેને ઈગ્નોર કરી રહી છે એટલા માટે રાજુએ આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો હતો.








