નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, માત્ર ગણતરીના મહિનાઓમાં જ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે ગુજરાતની રાજનીતીમાં 2 દાયકા પાછળ રહી ગયેલી કોંગ્રેસ ફરી મુખ્ય ધારામાં આવવા માટે પ્રયત્ન કરી રહી છે. જેના ભાગ રૂપે આજે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત રાજકોટમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરવા આવી રહ્યા છે. કોંગ્રેસના રાજસ્થાનના મુખ્યમંત્રી રાજકોટ પ્રવાસે આવે તેવો કાર્યક્રમ નિર્ધારીત હતો પણ હવે અસમંજસનું વાતાવરણ પેદા થયું છે.
તાજેતરમાં જ રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી અશોક ગેહલોતને ગુજરાત વિધાનસભા ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે રાજકોટમાં ગેહલોત સાથે કોંગ્રેસી ધારાસભ્યો અને નેતાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ જયપુરથી અશોક ગેહલોતના વિમાનને ટેકઑફ થવા માટે એર ટ્રાફિક કન્ટ્રોલર દ્વારા મંજૂરી નથી મળીના અહેવાલ મળી રહ્યા છે.
અશોક ગહેલોતના વિમાનને મંજૂરી નહીં મળતા કોંગ્રેસી ધારાસભ્ય લલીત કગથરા દ્વારા ભાજપ સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. લલીત કગથરાએ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું કે, “દિલ્હી કેન્દ્ર સરકાર દ્વારા એર ટ્રાફિક કન્ટ્રોલર પાસેથી મંજૂરી ન મળે તેવું જણાવાયું હોવું જોઈએ.” વધુમાં ભાજપ સરકાર અને આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા નામ લીધા વગર કહ્યું કે, તેઓ ભાજપના સ્પોનસર છે તેમને આડકતરી રીતે ભાજપનો સહયોગ મળી રહ્યો છે.
કટાક્ષ કરતા કગથરાએ કહ્યું હતું કે,” વિમાનને આટલા કારણે જ મંજૂરી ન આપવામાં આવે જ્યારે વરસાદ હોય અથવા તો હવામાન ખરાબ હોય અથવા તો રાજકીય હવામાન ખરબા થતું હોય.” આમ હાલ રાજકોટમાં અશોક ગહેલોતની હાજરીમાં નિયત કાર્યક્રમ યોજાશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ ખડો થતા રાજકીય બખેડો સર્જાયો છે.








