નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક જ આવી રહી છે. ત્યારે દરેક પક્ષ દ્વારા અવનવી જાહેરાતો કરીને જનતાને પોતાના પક્ષ તરફ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરી રહેલી આમ આદમી પાર્ટી દ્વારા પ્રજા લક્ષી જાહેરાતો કરવામાં આવી રહી છે, ત્યારે હવે ગુજરાતનાં રાજકારણના જૂના જોગી પણ કેમ બાકી રહે. આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂતો માટે જાહેરાત કરવામાં આવી છે.
આજે કોંગ્રેસ દ્વારા ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી. આજે અમદાવાદમાં જગદીશ ઠાકોર દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખેડૂતોને કેન્દ્રમાં રાખીને કેટલીક જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે અને ખેડૂતોને ખેતી માટે 10 કલાક સુધી ફ્રીમાં વીજળી આપવામાં આવશે.
કોંગ્રેસનાં નેતાઓ દ્વારા ભાજપ ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે, “ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું એક હથ્થું શાસન છે, તેમ છતાં ભાજપ દ્વારા ખેડૂતો માટે કામ કરવામાં આવ્યું નથી અને ખેડૂતોના પાક વીમા સાહિતના હક ભાજપ સરકારે ઝૂંટવ્યા છે. જ્યારે કોંગ્રેસ ગુજરાતને ખેતીના ક્ષેત્રમાં પહેલા સ્થાને લાવવા માટે કામ કરશે અને ખેડૂતલક્ષી અભિગમ રાખીને ખેડૂતોના હિત માટે કામ કરશે.
ઉપરાંત કોંગ્રેસી નેતાઓ દ્વારા નવી આવેલી આમ આદમી પાર્ટી ઉપર પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસી નેતાઓએ AAPને દિલ્હીથી આવેલી ભાજપની જ ‘બી ટીમ’ ગણાવી હતી અને કહ્યું હતું કે, “ભાજપ અને AAP ગુજરાતની જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે અને તેમણે બંને સાથે મળેલા છે.”








