નવજીવન ન્યૂઝ.મુંબઈઃ મહારાષ્ટ્રના જાલનામાં થયેલી આવકવેરા વિભાગની રેડમાં 390 કરોડની અધધધ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ રેડ કોઈ ફિલ્મી કહાનીથી ઓછી ન હતી. રેડ કરવા આવેલા બધા અધિકારીઓ જાનૈયાઓ બનીને આવ્યા હતા. પુરી કાર્યવાહી માટે ખુબ વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના ફળ સ્વરૂપ 56 કરોડ રૂપિયા રોકડ, 32 કિલો સોનું અને 14 કરોડ રૂપિયાની કિંમતના હિરા, અન્ય સંપત્તિ દસ્તાવેજો અને ડિઝિટલ ડેટા જપ્ત કર્યા હતા.
તમને જણાવી દઈએ કે 3 ઓગસ્ટના રોજ આઈટી વિભાગે દરોડા માટે 120 વાહનોનો ઉપયોગ કર્યો હતો. જોકે, દરોડા અંગે કોઈને માહિતી ન મળે તે માટે તમામ વાહનો અલગ-અલગ ગયા હતા. તમામ વાહનોને એવી રીતે શણગારવામાં આવ્યા હતા કે જાણે તે કોઈના સરઘસના હોય. કેટલાક વાહનો પર ‘દુલ્હન હમ લે જાયેંગે’ એવા બોર્ડ પણ હતા. વરને લઈ જતી કારમાં આ સ્લોગનનો વારંવાર ઉપયોગ થતો હતો.
દરોડા પાડવા માટે લગભગ 250 આવકવેરા વિભાગના કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ “બારાતીઓ” ના વેશમાં આવ્યા હતા. ટીમોએ સ્ટીલ, ટેક્સટાઇલ અને રિયલ એસ્ટેટનો વેપાર કરતા બે બિઝનેસ જૂથોના પરિસર, વેરહાઉસ અને ફાર્મહાઉસ પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે આ વિચાર મદદરૂપ હતો કારણ કે તેઓ કરોડોની કિંમતની જ્વેલરી જપ્ત કરવામાં સફળ રહ્યા હતા.
દરોડા દરમિયાન જપ્ત કરાયેલી રોકડની ગણતરી કરવામાં અધિકારીઓને લગભગ 13 કલાકનો સમય લાગ્યો હતો. વેપારી જૂથો દ્વારા કથિત કરચોરી અંગેના ઇનપુટ્સ બાદ આ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. દરોડા માટે IT વિભાગે 260 અધિકારીઓની પાંચ ટીમો બનાવી હતી.








