નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોનો વ્યાપાર વધી રહ્યો છે. ગુજરાતનું યુવાધન આ નશીલા પદાર્થોના બંધાણી બની રહ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા સતત નશીલા પદાર્થો જેવા કે ડ્રગ્સ, ગાંજો, અફીણ, ચરસ અને દારૂ સાથે યુવકોની ધરપકડ કરવામાં આવે છે. તેમ છતાં ગુજરાતમાં આ નશીલા પદાર્થોનું પ્રમાણ ઘટી રહ્યું નથી. તાજેતરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગાંજાના મોટા જથ્થા એક યુવકની ધરપકડ કરવામાં આવી છે, આ વ્યક્તિ સુરતમાં આ ગાંજાનો સપ્લાય કરતો હતો.
ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ ગત નવેમ્બર 2021માં સુરત પોલીસ દ્વારા પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કરોડ કરતાં વધુ કિંમતના 1009 કિલો ગાંજા સાથે મોહમ્મદ શેખ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીએ પોલીસ સામે કબૂલાત કરી હતી કે ઓરિસ્સામાંથી દિલિપ ગૌડા નામનો એક વ્યક્તિ દક્ષિણ ગુજરાતમાં ગાંજાનો સપ્લાય કરે છે. ત્યાર બાદ પોલીસે આ દિલિપને વોન્ટેડ જાહેર કર્યો હતો અને તેની શોધખોળ શરૂ કરી હતી.
વોન્ટેડ આરોપી દિલિપ ગૌડાને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓરિસ્સામાં એક મિશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે દિલિપ ગૌડાના ઘરની નજીક વોચ ગોઠવી હતી અને ત્યાંથી જ આરોપી દિલિપ ગૌડાની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ આરોપી ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે અને તેણે કબૂલ્યું હતું કે તેણે અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં અંદાજિત સાડા ત્રણ કરોડની કિંમતનો ગાંજો સપ્લાય કર્યો છે. હવે પોલીસે તેની ધરપકડ કરીને આગળની વધુ કાર્યવાહી શરૂ કરી છે.








