Friday, June 26, 2026
HomeGujaratસુરતમાં ધોળા દિવસે અપહરણની ઘટના, રાજકોટના બે યુવકોએ સુરતમાં કર્યું અપહરણ

સુરતમાં ધોળા દિવસે અપહરણની ઘટના, રાજકોટના બે યુવકોએ સુરતમાં કર્યું અપહરણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં દિવસેને દિવસે ક્રાઇમ રેટ વધી રહ્યો છે, ગુનેગારોને જાણે પોલીસનો ભય જ નથી રહ્યો તેવી રીતે તેમણે ગુનાને અંજામ આપે છે. તેમાં પણ રાજકોટ અને સુરત જેવા શહેરોમાં આ ક્રાઇમ રેટ અન્ય શહેરો કરતાં પણ વધારે છે, ત્યારે સુરતમાં હાલ ધોળા દિવસે જાહેરમાં અપહરણની એક ઘટના સામે આવી છે. જોકે પોલીસ દ્વારા હાલ આ અપહરણના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ સુરતના પ્રતિક પાઘડાળ નામના વ્યક્તિએ બે વર્ષ અગાઉ પોતાની નોકરી છેડીને અમદાવાદ આવીને ધંધો શરૂ કરવાનું વિચાર્યું હતું, જેના માટે તેણે પોતાના અલગ અલગ સગા-સંબંધીઓ પાસેથી પૈસા ઉધાર લીધા હતા. ત્યાર બાદ આ ધંધો ચાલ્યો નહીં અને તે કોઈના પૈસા આપ્યા વગર અમદાવાદ છોડીને સુરત આવી ગયો હતો અને કોઈના પૈસા પરત કર્યા ન હતા. સુરત આવીને તેણે અન્ય મિત્રો સાથે મળીને બીજો ધંધો કરવાનું નક્કી કર્યું હતું.

- Advertisement -

સુરતમાં જ્યારે તે મિત્રો સાથે નાસ્તો કરવા ગયો તે સમયે તેને એક કોલ આવ્યો અને તે વાત કરવા માટે બહાર આવ્યો ત્યારે એક કારમાં બે યુવક આવીને તેનું અપહરણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જે જોઈને સિક્યુરિટી ગાર્ડે તેના નાસ્તો કરવા બેઠેલા મિત્રોને આ અંગે જાણ કરી હતી. મિત્રો બહાર આવ્યા ત્યારે બે યુવકો મોઢા ઉપર રૂમાલ બાંધીને પ્રતિકનું અપહરણ કરીને કારમાં લઈ જઈ રહ્યા હતા. ત્યારે બાદ પ્રતિકના મિત્રો પૈકી લાલજી નામના યુવકે ગાડીનો નંબર નોંધી લીધો હતો અને પોલીસ કંટ્રોલને આ ઘટના અંગે જાણ કરી હતી.

વરાછા પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લઈને ગાડીના નંબરના આધારે ટોલનાકાના CCTV ફૂટેજ ચેક કરતાં જાણવા મળ્યું કે આ કાર સુરતથી અમદાવાદ તરફ જઈ રહી છે, એટલે તાત્કાલિક પોલીસ દ્વારા અમદાવાદ અને વડોદરા પોલીસને પણ આ કારની માહિતી આપી ઘટનાની જાણ કરવામાં આવી હતી. જોકે પોલીસે વાસદ ચોકડી આગળ આ કારણને રોકીને અપહરના આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ મૂળ રાજકોટના છે અને જય પટેલ અને હિરેન પટેલે પ્રતિકનું પૈસાની લેતીદેતીમાં અપહરણ કર્યું હતું. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબુલાત કરી હતી કે, તેમણે પ્રતિકને ધંધો કરવા માટે પૈસા આપ્યા હતા, પરંતુ ધંધામાં ખોટ જતા પ્રતિકે પૈસા પરત આપ્યા ન હતા અને તે અલગ અલગ વાયદાઓ આપતો હતો અને અંતે પૈસાની ચુકવણી ન થતા તેમણે પૈસા મેળવવા માટે પ્રતિકનું અપહરણ કર્યું હતું.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular