નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં કથિત રીતે મહિલાઓ સુરક્ષિત છે, પરંતુ રોજ મહિલા સંબંધિત ગુનાઓની ફરિયાદ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વડોદરાના જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગત 28 તારીખે એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જેની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી તે વડોદરાનો જાણીતો બિલ્ડર નવલ ઠક્કર છે. ફરિયાદ નોંધાયા બાદ તરત જ તે ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ ગઇકાલે રાતે વડોદરા પોલીસ દ્વારા આ દૂષકર્મના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
નવલ ઠક્કરની ધરપકડ અંગે ACP રાધિકા ભરાઈએ જણાવ્યુ હતું કે, “જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગત 28 જુલાઈએ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદ મુજબ ફરિયાદીની દિકરી સાથે આરોપી નવલ ઠક્કરે દુષ્કર્મ આચર્યું છે. ફરિયાદ નોંધાયા બાદ આરોપીને પકડવા માટે 5 ટીમને કામ સોપવામાં આવ્યું હતું. ગઇકાલે રાત્રે આરોપીને પકડી લેવામાં આવ્યો છે. આરોપી અંબાજીથી પોતાના ઘર તરફ આવી રહ્યો હતો તે દરમિયાન પોલીસની ટીમે તેને દબોચી લીધો છે. ઇલોરાપાર્ક આઇનોક્સ પાસે આવેલા શાક માર્કેટ નજીકથી રીક્ષામાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેનું પરિણામ આવ્યા બાદ તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “પીડિતાનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. CRPC 164 મુજબ ભોગ બનનારનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. હાલ સુધીની તપાસમાં ભોગ બનનારનું શી ટીમ દ્વારા કાઉન્સિલીંગ કરવામાં આવ્યું છે. નવલ અંબાજી તથા અન્યત્રે દર્શન કરવા ગયો હતો. ટેકનીકલ ટીમ દ્વારા તથા ડીસીબી અને પીસીબી વારંવાર તેને ટ્રેસ કરવાના પ્રયાસો કરી રહી હતી. દરમિયાન ચોક્કસ બાતમી મળતા તેની અટકાયત કરી લેવામાં આવી છે. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવતા પહેલા તેની પ્રાથમિક પુછપરછ કરવામાં આવી હતી. તેની અટકાયત કર્યા બાદ વિગતવાર જાણ કરવામાં આવશે.”

આ લેખ લખાઈ રહ્યો છે ત્યાં સુધી આરોપીના ઇનસ્ટાગ્રામ IDમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વડોદરાના જાણીતા રીઅલએસ્ટેટ ગ્રુપ કાન્હા ગ્રુપનો માલિક છે અને તેણે પોતાના IDમાં કાન્હા ગ્રુપની ઓફિસિયલ વેબસાઇટ પણ મૂકી છે. જ્યારે આની વિપરીત કાન્હા ગ્રુપ દ્વારા એક અખબારમાં જાહેરાત આપવામાં આવી છે કે તેઓ નવલ ઠક્કર સાથે કોઈ વ્યાપારિક સંબંધો ધરાવતા નથી કે સમર્થન પણ કરતાં નથી.








