નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ સુરત, અમદાવાદ, નવસારી અને ભરૂચમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી અને એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા કાર્યવાહીનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. દેશમાં ચાલી રહેલી દેશ વિરોધી કૃત્યની શંકામાં એજન્સીઓએ સુરતમાં ધામા નાખ્યા છે. સુરતના ભાગાતળાવ વિસ્તારમાં આ બંને એજન્સીઓએ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભાગાતળાવ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિની શંકાના આધારે એજન્સીઓએ અટકાયત કરી પુછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત અન્ય સ્થાનો પર કાર્યવાહીઓ કરવામાં આવી છે જેમાં ત્રણ શંકાસ્પદોને અટકાવી પુછપરછ હાથ ધરી છે જોકે હજુ સુધી તેમની પુછપરછમાં તેમણે એવી કોઈ કબુલાત આપી નથી.
મળી રહેલી વિગતો અનુસાર અમદાવાદના દરિયાપુર અને શાહપુર ઉપરાંત રાજ્યમાં કુલ 4 સ્થાનો પર અને અન્ય રાજ્યો મળી કુલ 6 રાજ્યોમાં એનઆઈએ અને એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના ભાગાતળાવ વિસ્તાર પાસે રહેતા એક વ્યક્તિની અટકાત કરી એટીએસ અને એનઆઈએ દ્વારા પુછપરછનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. આ યુવક દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો અને લોકોને ઉશ્કેરવામાં આવતા હોવાની વાત મળી છે. જોકે હજુ સુધી તેની સત્તાવાર વિગતો સામે આવી નથી. એજન્સીઓએ આ શંકાસ્પદ વ્યક્તિના ભૂતકાળને પણ તપાસ્યો હતો. આજે વહેલી સવારથી આ કાર્યવાહી ચાલી રહી હોવાની જાણકારી મળી રહી છે. આઈએસઆઈએસ મોડ્યૂલ કેસની તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવી રહી છે.
સુરત ઉપરાંત એનઆઈએ દ્વારા અમદાવાદ, સુરત, નવસારી અને ભરૂચમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ત્રણ શકમંદ વ્યક્તિઓની અટકાયત કરી છે. આ કાર્યવાહી દરમિયાન ત્રણેય વ્યક્તિઓની પુછપરછ શરૂ કરાઈ છે જોકે હજુ સુધી (આ લખાય છે ત્યાં સુધી) તેમણે કોઈ કબુલાતો આપી નથી.








