નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં હુક્કાબાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમ છતાં અમદાવાદમાં અનેક જગ્યાએ હર્બલ હુક્કાનાનામે કાકેમાં હુક્કો પિરસવામાં આવતો હોય છે. જો કે ગુજરાતમાં હુક્કાબાર પર પ્રતિબંધ હોવાના કારણે આવી જગ્યાએ હુક્કાના શોખીનો માટે ઉચા ભાવે હુક્કો પિરસવામાં આવતો હોય છે. ત્યારે ગઈ કાલે રાત્રે સ્ટેટ મોનીટરીંગની ટીમે સરખેજના એક કાફેમાં રેડ કરીને હુક્કાબારનો પર્દાફાશ કર્યો છે.
અમજદાવાદમાં સરખેજ પોલીસ અને મોનીટરીંગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આંબલી રોડ પર ચાલી રહેલા હુક્કાબાર પર રેડ કરી હતી. પોલીસ જ્યારે સેક્રેડ 9 કાફેમાં પહોંચી ત્યારે તેમને જાણવા મળ્યુ હતુ કે હુક્કાબારમાં હર્બલ ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કાફેમાં 67 જેટલા યુવક-યુવતીઓ હુક્કાના દમ મારી રહ્યા હતા. જો કે પોલીસને માહિતી મળી હતી કે કાફેમાં હર્બલ હુક્કાની જગ્યાએ નિકોટિનવાળા હુક્કા આપવામાં આવે છે. ગુજરાતમાં હાલ હુક્કાબાર પર પ્રતિબંધ છે પરંતુ હાઈકોર્ટ દ્વારા હર્બલ ફ્લેવરનો ઉપયોગ કરવાની પરમિશન આપેલી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ 13 હર્બલ ફ્લેવર અને 29 જેટલા હુક્કાઓ જપ્ત કર્યા છે. ઉપરાંત ફ્લેવરમાં નશીલા પદાર્થ છે કે નહીં તે જાણવા 42 હુક્કાના સેમ્પલ લેવામાં આવ્યા છે જેને એફએસએલ માટે મોકલી આપવામાં આવ્યા છે. ઉપરાંત હુક્કાબારની સામગ્રી અને કાફેના માલિક સહિતના 4 આરોપીઓને સરખેજ પાલીસને સોંપ્યા છે. જો કે હવે એફએસએલના રિપોર્ટ બાદ જ હકીકત સામે આવશે કે હર્બલ હુક્કાના નામે નશાનો કારોબાર ચલાવવામાં આવતો હતો કે કેમ?








