નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં ઘણા શહેરો એવા છે કે જ્યાં જંગલ વિસ્તાર શહેરને અડીને જ આવેલા હોય છે. જેના કારણે ઘણી વાર વન્ય પ્રાણીઓ જંગલ છોડીને કોંક્રીટના જંગલ કહેવાતા શહેરમાં આવી જતાં હોય છે. તેવી જ રીતે સુરતના ખજોદ ગામમાં જંગલમાંથી દીપડો આવી ગયો હતો, સામાન્ય રીતે દીપડા શહેરી વિસ્તારમાં આવી જતાં હોય છે, છતાં ગામના લોકોમાં દીપડાને જોઈને ભયનો માહોલ ઊભો થયો હતો અને તેમણે વન વિભાગને આ અંગે જાણ કરી હતી, ત્યાર બાદ વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા મૂક્યા હતા.
શુક્રવારે દીપડાની ફરિયાદ મળતા વન વિભાગ દ્વારા તેને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું પરંતુ શનિવારે ફરીથી દીપડો દેખાતા બીજું પણ પાંજરું વન વિભાગે મૂક્યું હતું. ત્યાર બાદ રવિવારે રાતે આ દીપડો વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં કેદ થયો હતો અને લોકોને હાશકારો અનુભવાયો હતો. વન વિભાગ દ્વારા દીપડાને બારડોલી રેસક્યું સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો.
જોકે આ કિસ્સામાં ગામના લોકો કરતાં વધારે હાશકારો દીપડાને રેસક્યું સેન્ટરમાં પહોંચીને અનુભવાયો હશે. કારણ કે જ્યારે ગામના લોકોને ખબર પડી કે દીપડો પકડાઈ ગયો છે ત્યારે ગામના લોકો દીપડા જોડે સેલ્ફી લેવા પહોંચી ગયા હતા અને સેલ્ફી લેવા માટે ગામના લોકો એવા ગાંડા થઈ ગયા હતા કે દીપડાના પાંજરા ઉપર ચઢી ગયા હતા, જેના કારણે દીપડો પણ ડરી ગયો હતો અને ત્રાડ પાડવા લાગ્યો હતો. વન વિભાગની ટીમને ગામ લોકોને દૂર કરવા માટે પહેલા ગાડી ઈચ્છાપોર પોલીસ સ્ટેશન લઈ જવી પડી હતી.








