નવજીવન ન્યૂઝ.રાજકોટઃ રાજકોટના ન્યારી ડેમ પર જ્યાં વરસાદ વખતે પ્રવાસીઓને નહીં જવા કલેક્ટરે તાકીદ કરી હતી ત્યાં બે દિવસ પહેલા કેટલાક શખ્સો પાણીમાં કાર ઉતારી ઈન્સ્ટા રિલ બનાવતા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો (વીડિયો અહેવાલના અંતે છે) આ મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે તે શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્ટંટમાં વપરાયેલી થાર કાર પણ જપ્ત કરી લીધી છે.
પોલીસે આ મામલે સ્મિત કિશોરભાઈ સખિયા, છાયાંશું અશોકભાઈ સાગપરિયા અને રવિ વેકરિયા નામના શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે ત્રણ આરોપીઓ પૈકીના છાયાંશુને થાર કાર સાથે ઝડપી પાડ્યો છે. જોકે સ્મિત અને રવિ હજુ પણ ફરાર છે. પોલીસે તેમની શોધખોળ ચાલુ રાખી છે. ઉલ્લેખનીય છે કે કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે, તળાવો, સરોવર, ડેમ, ચેકડેમની આસપાસ લોકો પ્રવાસ ન કરે. જોકે આ ત્રણ શખ્સો સહિત ઘણા લોકો ન્યારી ડેમ પહોંચી ગયા હતા જ્યાં આ ત્રણ શખ્સો દ્વારા ડેમમાં કાર સાથે પહોંચીને પાણીમાં ગાડી ઉતારી જોખમી સ્ટંટ કર્યો હતો. અહીં જુઓ આ વીડિયો.








