નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં આગામી તારીખ 19 જુલાઈના રોજ કોર્પોરેશનનું જનરલ બોર્ડ યોજવા જઈ રહ્યું છે જેમાં દરેક પક્ષો પોતાના પ્રશ્નોની રજૂઆત કરશે. આ બેઠકમાં ભાજપના 10, કોંગ્રેસનાં 1 અને અન્ય કોર્પોરેટર્સના 2 સહિત કૂલ 28 પ્રશ્નોનો ઉપર ચર્ચા કરવાં આવશે. જેમાં મુખ્યત્વે રાજકોટના લોકોની સમસ્યા અંગે વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત કેટલાક અગત્યના નાણાકીય નિર્ણયો પણ આ બેઠકમાં કરવામાં આવશે.
આ બેઠકમાં સૌથી પહેલા વોર્ડ 15ના કોર્પોરેટર અને કોંગ્રેસમાંથી આપમાં જોડાયેલા વશરામ સાગઠીયાએ પુછેલા કંપ્લીસન વિનાની ખાનગી શાળા કોલેજોના નામ સરનામાની વિગતો આપવા તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરાતના બોર્ડ લગવવાના નિયમો વિશેના પ્રશ્નથી બોર્ડની ચર્ચાનો પ્રારંભ થશે. આમ ભલે કોર્પોરેટર ચૂંટાયા કોંગ્રેસમાંથી હોય પણ પહેલો પ્રશ્ન AAPનો હશે.
જ્યારે બીજા નંબરે વોર્ડનં 11ના કોર્પોરેટર લીલુબેન જાદવે RMC હસ્તક કેટલા ટ્રાફિક સિગ્નલ નાખવામાં આવ્યા છે? તેમાંથી હાલ કેટલા કાર્યરત છે? આ ટ્રફિક સિગ્નલનો મેઇન્ટેનન્સ ખર્ચ કેટલો થાય છે? આ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવેશે. તેમજ ત્રીજો પ્રશ્ન વોર્ડનં.7ના કોર્પોરેટર દેવાંગ માંકડએ RMC હસ્તકની વોટ્સએપ સેવા દ્વારા છેલ્લા ત્રણ માસમાં કુલ કેટલી ફરીયાદો નોંધાઇ છે? ક્યા ક્યા વિભાગની છે તે પ્રશ્ન અંગે ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત રાજકોટ કોર્પોરેશનના વિપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ રામનાથ મહાદેવ મંદિર નિર્માણ અને આજી રિવર ફ્રન્ટ હેઠળ કરવામાં આવનારી કામગીરીની વિગતો અને બાકી રહેલા કામની વિગતો તે તમામ કામ માટે નાણકીય ખર્ચ અને ગ્રાન્ટ આવકની વિગતો આપવા તેમજ RMCની તમામ શાખાના સેટઅપ મુજબ વર્ગ 1 થી 4માં કેટલી જગ્યાઓ ખાલી છે? તથા છેલ્લા 3 વર્ષમાં જનભાગીદારી હેઠળ રોડ, ડ્રેનેજ, ડીઆઇ લાઇનના કેટલા કામો થયા સંપુર્ણ ખર્ચની વિગતો સહિતના પ્રશ્નો પુછવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરના મવડી સહિતના વિસ્તારમાં 3 તથા કુલ 4 ટી.પી. સ્કીમ બનાવવા સહિતની 9 દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવશે.








