નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં થયેલી આત્મહત્યા અંગેની ફરિયાદ ત્રિપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં અમદાવાદ પોલીસ દોડતી થઈ છે. ત્રિપુરા પોલીસે સ્પા ગર્લ સામે ગુનો દાખલ કરીને કેસ અમદાવાદ પોલીસને સોંપ્યો છે. અમદાવાદમાં ત્રિપુરાના યુવકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
માહિતી અનુસાર, અમદાવાદના વેજલપુરમાં આવેલા શ્રીનંદનગરમાં ત્રિપુરાનો યુવક ખાસૌહરાઈ ઉર્ફ બીબીસાની લાશ 45 દિવસ અગાઉ મળી આવી હતી. બીબીસા છેલ્લા બે વર્ષથી અમદાવાદમાં રહેતો અને સ્પામાં હાઇસકીપર તરીકે કામ કરીને પોતાનું ગુજરાન ચાલવાવતો હતો. ગત 23 મેના રોજ તેણે શ્રી નંદનગર ખાતે આવેલા ફ્લેટના રસોડામાં ગળે ફાંસો ખાધો હતો.
જે જગ્યાએ બીબીસાએ આત્મહત્યા કરી હતી તે જગ્યા પર તેની ગર્લફ્રેન્ડ નેન્સી ભાડેથી રહેતી હતી. બીબીસાની લાશને સૌ પ્રથમ નેન્સીની બહેન રેમસંગકીમિની ઉર્ફ કિમકિમ અપેટોએ લટકતા જોઈએ હતી. મૃતક બીબીસાના પિતાને જાણકારી મળી હતી કે, તેનો પુત્ર નેન્સી જોડે પ્રેમ કરતો હતો, બંને વચ્ચે મિત્રતા પણ સારી હતી, પરંતુ નેન્સી છેલ્લા કેટલાક સમયથી ધનાઢય પરિવારના નબીરાના પ્રેમમાં હતી.
નેન્સીએ ગત 22 મેના રોજ તેના ઘરે મિત્રો માટે એક ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં મૃતક બીબીસાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, જેથી બીબીસાએ નેન્સીના ઘરે પહોંચીને માથાકૂટ કરી હતી. આ બનાવના બીજા જ દિવસે બીબીસાની લાશ નેન્સીના ઘરેથી લટકતી હાલતમાં મળી હતી. બીબીસા મોત બાદ નેન્સી અને તેની બહેન તેના ઘરે શોક વ્યક્ત કરવા માટે પણ ગયા ન હતા, ઉપરાંત બીબસાના પિતાને શંકા છે કે તેમના પુત્રને મારીને લાશ લટકાવવામાં આવી છે. જેથી બીબીસાના પિતાએ ત્રિપુરા પોલીસ સમક્ષ નેન્સી અને તેની બહેન કિમકિમ વિરૂધ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરાવી હતી. ત્રિપુરા પોલીસે ઝીરો નંબરથી હત્યાનો ગુનો દાખલ કરી વેજલપુર પોલીસને ફરિયાદ મોકલી આપી હતી.
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ)]








