નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં અને દેશમાં સતત મોંઘવારીએ વધી રહી છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકો ઉપર થઈ રહી છે. આ મોંઘવારીનો નાગરિકો અને વિપક્ષ તેમજ અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં AAPની મહિલા વિંગ દ્વારા રાંધણ ગેસ અને ખાદ્ય તેલના ભાવ વધારાના વિરોધમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
આમ આદમી પાર્ટી દ્વારા આજે અમદાવાદમાં આશ્રમ રોડ ઉપર વલ્લભ સદન આગળ મોંધવારીના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. AAPની મહિલા વિંગ દ્વારા અલગ અલગ શહેરોમાં જે વિરોધ પ્રદર્શન કરવાં આવ્યું તે અંતર્ગત અમદાવાદમા પણ આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ સરકાર દ્વારા LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો ભાવ વધારો કરવાં આવ્યો છે જેની અસર ગૃહિણીઓના બજેટ ઉપર થાય છે, જેના કારણે આમ આદમી પાર્ટીની મહિલા વિંગ દ્વારા મહિલાઓના સાથે રાખીને વિરોધ કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં જ્યારે પણ કોઈ વિરોધ પ્રદર્શન હોય ત્યારે પ્રદર્શનકારી કરતાં વધારે તો પોલીસનો કાફલો પ્રદર્શન સ્થળે પહોંચી જાય છે, તેવી જ રીતે આજે પણ દરેક જિલ્લા અને શહેરોમાં પ્રદર્શન દરમિયાન પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને પ્રદર્શનકારીઓની અટકાયત કરી લેવામાં આવી હતી.








