1928માં જન્મ લેનાર કેશુભાઈ પટેલને ગુજરાતની પ્રજાએ બે વખત મુખ્યંત્રી થવાની તક આપી હતી, 1995માં છ મહિના માટે અને 1998માં ત્રણ વર્ષ માટે તેઓ ગજરાતના શાસક બન્યા, તેમની ઉપર આરોપ હતો કે તેઓ તેમની સરકાર દ્વારા થતાં લોક ઉપયોગી કામનું માર્કેટીંગ કરતા નથી, મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને અનેક વખત મળવાનું સૌભાગ્ય મળ્યુ એક મુલાકાતમાં મેં હિમંત કરી તેમને પ્રશ્ન પુછી લીધો કે તમારી સરકાર લોકો માટે જે કામ કરે છે તેનો તમે પ્રચાર કેમ કરતા નથી, તેમના સ્થુળ ચહેરા ઉપર એકદમ હાસ્ય ધસી આવ્યુ તેમણે કહ્યુ અરે ભાઈ સરકાર તો પ્રજાની માઈબાપની ભુમીકા અદા કરે છે, કોઈ મા બાપ પોતાના સંતાનો માટે જે કઈ કરે તેનો થોડો હિસાબ રાખે કે પછી અમે અમારા સંતાનો માટે શુ કર્યુ તેના ઢોલ નગારા પીટે છે, કુદરતે મારા હિસ્સે જે જવાબદારી સોંપી છે તેનું મારે કામ કરવાનું છે. કેશુભાઈ પટેલ એક એવુ વ્યકિતત્વ જેની ઉપર કોઈને પણ ગુસ્સો આવે નહિ, વિરોધીને પણ આદર આપવાની ફરજ પડે તેવો માણસ, 29 ઓકટોબર 2020માં તેમનું દેહાઅવસાન થયુ, ભારત સરકારે તેમને મરણોત્તર પદ્મ ભુષણ એવોર્ડથી સન્માનીત કર્યા .જે એવોર્ડ રાષ્ટ્રપિત ભવન ખાતે તેમના પુત્ર ભરત પટેલે સ્વીકાર્યો હતો.
અત્યંત સામાન્ય માણસ, મુખ્યમંત્રી બન્યા પછી પણ સામાન્ય જ રહ્યો, કોઈ વ્યકિતગત અપેક્ષા અને જીજીવીષા વગરનો માણસ , જીવનના પાંચ દાયકા રાજકારણમાં પસાર કર્યા પછી રાજકારણના આટાપાટા આવ્યા જ નહીં, બે દાગ માણસ, ચહેરા ઉપર જેવુ નિર્દોષ હાસ્ય તેવુ જ નિર્દોષ જીવન રહ્યુ, દારૂણ ગરીબીમાં જન્મ થયો, ઘરની જમીન હતી, પણ જમીનમાં નાખવા ખાતરના પૈસા ન્હોતા, એટલે રોજ રાત પડે કેશુભાઈ અને જેમના ભાઈ ખેતરની બાજુમાંથી પસાર થતી ગટરમાં ઉતરી તેનો કદડો કાઢી ખાતર તરીકે પોતાના ખેતરમાં પાથરી દેતા હતા, આર્થિક સ્થિતિના અભાવે સ્કુલનું શિક્ષણ પણ પુરૂ થયુ નહીં, આઝાદી મળી તેના બે દાયકા પહેલા જન્મ થયો હોવાને કારણે આઝાદી કોને કહેવાય તેની પાક્કી સમજ હતી, રાજકારણમાં આવવાની કયારેય ઈચ્છા ન્હોતી પણ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ તરફ તેમનો લગાવ આઝાદી પહેલાથી જ રહ્યો, રોજ રાજકોટની શાખામાં જવાનો ક્રમ હતો.
એક દિવસ શાખાના ગણવેશ અને લાઠી સાથે શાખામાંથી ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમણે જોયુ કે રાજકોટના બજારમાં રાજકોટનો કુખ્યાત લીલીયા દાદા વેપારીઓને રંજાડી રહ્યો હતો, લીલીયા દાદાની એવી ધાક હતી કે આખુ રાજકોટ તેનાથી કાપતુ હતું, પણ તે દિવસે લીલીયાની દાદાગીરી જોઈ કેશુભાઈનું લોહી ઉકળી ઉઠયુ, તેમણે સાઈકલ ઉભી રાખી, બજારમાં લીલીયાને પડકાર્યો, આ પહેલી ઘટના હતી કે લીલીયા સામે પડકાર ઉભો થયો, સંધની લાઠી હાથમાં કેશુભાઈ લાઠીનો કરતબ બતાડયો અને બજારમાંથી લીલીયાને નાસી જવુ પડયુ, આ ઘટના કેશુભાઈ તો ભુલી ગયા પણ ત્યાર બાદ રાજકોટ નગરપાલિકીની ચુંટણી આવી ત્યારે રાજકોટના વેપારીઓ કેશુભાઈને મળવા આવ્યા અને કહ્યુ તનમારે ચુંટણી લડવાની છે, પહેલા તો કેશુભાઈએ કહ્યુ અરે ભાઈ બે ટંકના રોટલાની તકલીફ છે ત્યાં કયાં ચુંટણી લડવી પણ વેપારીઓ માન્ય નહીં, કેશુભાઈના પ્રારબ્ધમાં રાજકારણ હતું અને તેઓ સુધરાઈમાં નગર સેવક તરીકે ચુંટાઈ આવ્યા.
બાબુભાઈ જશભાઈ પટેલની સરકારમાં પણ તેઓ મંત્રી બન્યા, એટલે સરકારી બંગલો મળ્યો, મંત્રી થયા એટલે ગાંધીનગર રહેવુ અનિવાર્ય હતું એટલે રાજકોટ છોડયુ, પણ કેશુભાઈના પત્ની લીલાબા ગાંધીનગર આવવાનો નન્નો ભણી દીધો, લીલીબાએ કહ્યુ મારી ભેંસો મુકી હું ગાંધીનગર આવીશ નહી, લીલાબાને ગાંધીનગર લાવવા માટે કેશુભાઈને પોતાની ભેંસો પણ સરકારી બંગલામાં લાવી પડી હતી, કેશુભાઈ પટેલ અને લીલાબા એકદમ દેશી દંપત્તી , શિક્ષણ નહી બરાબર પરંતુ પ્રશ્નની પાક્કી સમજ અને તેનો ઉકેલની આવડત હતી, લીલાબાને તે મંત્રી કે મુખ્યમંત્રીના પત્ની છે તેવો ભાર કયારેય લાગ્યો નહીં ભાર વગરની જીંદગી તેઓ જીવ્યા, ગાંધીનગર બેસતા આઈએએસ અધિકારીને પ્રશ્ન સમજાય તેના કરતા ઝડપથી કેશુભાઈ પટેલ પ્રશ્ન સમજી જતાં કારણ ગામડાનો માણસ અને પોતાનું જીવન પણ વિપરીત પરિસ્થિતિમાં પસાર થયુ હતું.
1980માં જનસંઘમાંથી ભાજપ થયુ,અમદાવાદમાં નદીને પાર એક પ્રદેશ કાર્યાલય હોય તેવી કેશુભાઈ પટેલ અને શંકરસિંહની ઈચ્છા હતી, પોતાની ઓફિસ ખરીદી શકે એટલા પૈસા તો ભાજપ પાસે ન્હોતા, એટલે એલીસબ્રીજ પાસે આવેલા એલીસ શોપીંગ સેન્ટરમાં એક દુકાનમાં પ્રદેશ કાર્યાલય શરૂ કરવાનો નિર્ણય. કરવામાં આવ્યો ભાડુ મહિને 1500 રૂપિયા હતું, પણ બે-ત્રણ મહિનામાં કેશુભાઈ હાંફી ગયા કારણ મહિને 1500 રૂપિયાનું ભાડુ કયાંથી લાવવુ તે પણ એક પ્રશ્ન હતો આખરે દુકાન ખાલી કરી આજે જયાં ભાજપનું પહેલુ પ્રદેશ કાર્યાલય હતું ત્યાં સૌરાષ્ટ્ર ગાંઠીયા નામની દુકાન ચાલે છે, પછી કેશુભાઈ ઓછા ભાડામાં કાર્યાલય ખાડીયામાં લઈ ગયા 1980માં ભાજપનું કોઈ ભાવ પુછતુ ન્હોતુ તે ભાજપને 1995માં એકલા હાથે બહુમતી અપાવવામાં કેશુભાઈની ભુમીકા મહત્વની હતી, કારણ 1995-1998માં કેશુભાઈ ભાજપના પોસ્ટ બોય હતા, કેશુભાઈને 123 બેઠકોની બહુમતી મળી એટલી ભાજપના કોઈ મુખ્યમંત્રીને મળી નથી, ખેર કેશુભાઈ અને કેશુભાઈ જેવા માણસનો યુગ પુરો થયો નવી પેઢીના રાજકારણીઓને આવો પણ એક માણસ રાજકારણમાં હતો તે એક કલ્પના કથા જેવુ લાગશે.








