પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોના મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ખાસ તપાસ દળે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપેલી ક્લીનચીટને જાકીયા ઝાફરી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જાકીયા ઝાફરીની અરજી ફગાવી દેતા કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક ફરિયાદ નોંધી હતી, તેના પગલે ક્રાઇમ બ્રાન્ચની સાહાયએ ગુજરાત એટીએસએ મુંબઈ પહોંચી તિસ્તા સેતલવાડની અટકાયત કરી સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક ફરિયાદ નોંધી જે મામલે ગુજરાતના પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારને ક્રાઈમ બ્રાન્ચ બોલાવ્યા હતા અને પ્રાથમિક પુછપરછ પછી તેમની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપી તરીકે સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડને દર્શાવાયા છે.
ઝાકીયા ઝાફરીની પીટીશન ફગાવતા સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસને નિર્દેશ આપ્યો હતો કે, ઝાકીયાની અરજી પાછળ કોના મલીન ઈરાદાઓ છે અને કાયદાની પ્રક્રિયાને પ્રભાવિત કરવાની સાથે કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ જેમણે કર્યો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસ હરકતમાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ઈન્સપેક્ટર દર્શનસિંહ બારડે નોંધાવેલી ફરિયાદમાં હાલમાં જેલમાં રહેલા પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ, પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમાર અને સ્વૈસ્છીક સંસ્થા ચલાવતા તિસ્સા સેતલવાડને આરોપી બતાડી તેમના પર આરોપ મુકવામાં આવ્યો છે કે સંજીવ ભટ્ટ, શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડ પાસે ઘટનાની સાચી જાણકારી હોવા છતા તેમણે ખોટી જાણકારી જાહેર કરી, કરાવડાવી ગુજરાતની છબીને નુકસાન પહોંચાડ્યું તેની સાથે કાયદાકીય પ્રક્રિયાને પ્રભાવિત કરી તેનો દુરુપયોગ પણ કર્યો.
ફરિયાદ પ્રમાણે, ગુજરાતના રમખાણોની તપાસ માટે રચવામાં આવેલી એસઆઈટી (ખાસ તપાસ દળ), ટ્રાયલ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સામે ખોટા પુરાવા મુકવા અને ભ્રમિત થાય તેવી સ્થિતિનું નિર્માણ તેમણે કર્યું હતું. આ સંદર્ભમાં તેમના દ્વારા મુકવામાં આવેલા દસ્તાવેજો દર્શાવે છે કે આ એક પૂર્વયોજીત કાવતરું હતું. જેથી આ તમામ આરોપીઓ સામે આઈપીસી 468, 471, 194, 211, 218 અને 120 બી અનુસાર કાર્યવાહી કરવામાં આવે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર મામલે અત્યંત ગુપ્તતા રાખી અને તિસ્તા સેતલવાડની ધરપકડ કરવા એક ટીમને વહેલી સવારે જ મુંબઈ રવાના કરી દેવામાં આવી હતી. જ્યારે બીજી તરફ પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારને આ મામલે પોતાનું નિવેદન નોંધવા ક્રાઈમ બ્રાન્ચ આવવાનું સમન્સ મોકલવામાં આવતા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ તેમની સામે નોંધવામાં આવેલી ફરિયાદ અંગે તેમને જાણકારી આપી અને તેમની ધરપકડ કરી હતી.
મુંબઈ પહોંચેલી ગુજરાત એટીએસએ તિસ્તા સેતલવાડની અટકાયત કરી તેમને તેમના નિવાસસ્થાન નજીક આવેલા સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ગુજરાત એટીએસના અધિકારીઓ દ્વારા સેતલવાડની ધરપકડ કરવામાં આવી હોવાની નોંધ પોલીસ સ્ટેશનમાં કરાવવામાં આવી હતી. ત્યાંથી રવાના થયેલી ટીમ મોડી રાત્રે અમદાવાદ પહોંચે તેવી સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કસ્ટોડિયલ ડેથના મામલે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને સજા થતા હાલમાં તેઓ પાલનપુર જેલમાં સજા ભોગવી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ તેમની ગમે તે ક્ષણે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ- Advertisement -
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











