નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવાના મુદ્દે છેલ્લા 2 મહિનાથી પાલનપુરના વડગામ સહિત અન્ય ગામો જળ આંદોલન ચલાવી રહ્યા છે. ગઇકાલે આ મુદ્દે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાત સરકારને અલ્ટિમેટમ આપવાની વાત કરી હતી, જેના જવાબમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે કહ્યું હતું કે, “જિગ્નેશ મેવાણીને આ મુદ્દે બોલવાનો અધિકીયર નથી, ચૂંટણી આવી એટલે આ મુદ્દો ઉઠાવે છે 5 વર્ષ ક્યાં ગયા હતા?” સી.આર.પાટિલના આ નિવેદનના જવાબમાં આજે જિગ્નેશ મેવાણીએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે.
જિગ્નેશ મેવાણીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં સી.આર.પાટિલ ઉપર કટાક્ષ કરતાં જણાવ્યુ હતું કે, “મે જ્યારે ગઈકાલે વીડિયો મારફતે મુખ્યમંત્રીને અલ્ટિમેટમ આપવા જવાનો છું તેવી વાત કરી ત્યારે તેનો જવાબ મુખ્યમંત્રીએ નહીં, પાણી પુરવઠા વિભાગના મંત્રીએ નહીં, સિંચાઇ મંત્રીએ નહીં પણ ભાજપના હોદ્દેદાર સી.આર.પાટિલે આપ્યો હતો. જ્યારે કોઈ ચાલુ ધારાસભ્ય કોઈ વિભાગને સંબંધિત કોઈ પ્રશ્ન ઉઠાવે છે ત્યારે તેનો જવાબ જે તે વિભાગના મંત્રીએ આપવાનો હોય છે. સી.આર.પાટિલને આમાં વચ્ચે બોલવાનું કોઈ કારણ બનતું નથી. તેમણે ત્યાં સુધી કહ્યું કે જિગ્નેશભાઈ 5 વર્ષ સુધી ક્યાં હતા. તેનો હું જવાબ આપું છું કે જિગ્નેશભાઈએ છેલ્લા 5 વર્ષથી સતત કરમાવતના મુદ્દે રજૂઆત કરી છે અને વડગામનો એક એક મતદાર તેનો સાક્ષી છે. તમે પેહલા વિધાનસભાના રેકોર્ડ ચેક કરો અને પછી નિવેદનો આપો.”
છેલ્લા બે મહિના જેટલા સમયથી બનાસકાંઠા જિલ્લામાં કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવા મુદ્દે જળ આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે ગઇકાલે જિગ્નેશ મેવાણીએ પોતાના સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યુ હતું કે વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ગામડાઓમાં પાણીની તકલીફ છે જેમાં મારો મત વિસ્તાર વડગામ પણ આવી જાય છે. આ મુદ્દે હું 21 તારીખે મુખ્યમંત્રીને રજૂઆત કરીશ અને જો યોગ્ય જવાબ નહીં મળે તો સરકારને અલ્ટિમેટમ આપીશ અને આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું. આ વિડિયોના જવાબમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે પાંચ વર્ષ જિગ્નેશ મેવાણી ક્યાં હતા. તેનો જવાબ આજે જિગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આપ્યો છે.
હકીકતમાં લોકોના પ્રશ્નોને લઈને રાજનીતિ થવી ન જોઈએ, લોકોની તકલીફ કેવી રીતે દૂર કરવી તે અંગે સત્તાપક્ષ અને વિપક્ષ સાથે બેસીને જો ચર્ચા કરે તો લોકોના પ્રશ્નનું નિરાકરણ ઝડપથી આવી શકે છે. ગુજરાતમાં છેલ્લા અઢી દાયકથી પણ વધારે સમય સત્તામાં રહેલી ભાજપના પ્રદેશ અધ્યક્ષ ગઇકાલે નિવેદન આપે છે કે જિગ્નેશ મેવાણીને આ મુદ્દે બોલવાનો અધિકાર નથી પાંચ વર્ષ ક્યાં હતા, તો ભાજપ તો આટલા સમયથી ગુજરાતમાં સત્તા ભોગવે છે તો પછી કેમ વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના લોકો પાણીથી વંચિત છે અને તેમણે પાણી માટે જળ આંદોલન કરવું પડે છે અને પ્રધાનમંત્રી મોદીને પત્ર લખવો પડે છે આ મુદ્દે પણ સી.આર.પાટિલે જવાબ આપવો જોઈએ.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











