પ્રશાંત દયાળ નવજીવન : ઘણી ઘટનાઓ એવી હોય છે એક તરફ કાયદો હોય છે અને બીજી તરફ કાયદાની પેલે પાર માણસ હોય છે, હવે પોલીસે અનેક કિસ્સામાં નિર્ણય લેવાનો હોય છે કે કાયદાની જોગવાઈ પ્રમાણે કામ કરવુ કે કોઈ માણસને જીવાડવામાં તેની સહાય કરવી પણ આવી જ એક ઘટના રાજકોટમાં ઘટી હતી, રાજકોટ પોલીસ સામે એક માતાની ફરિયાદ આવી કે તેનો દિકરો ડ્રગનો બંધાણી થઈ ગયો છે તેને બચાવી લો, ત્યાર બાદ રાજકોટ પોલીસે જે કામ કર્યુ તે કાબીલે દાદ છે.
આપણે કેસમાં સામેલ યુવક-યુવતીના ભવીષ્યને ધ્યાનમાં રાખી તેમના સાચા નામની ગુપ્તતા રાખીશુ છતાં તેમને આપણે સંગ્રામ અને વિભા તરીકે સંબોધીશુ., થોડા દિવસ પહેલા એક મહિલા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પાસે આવે છે, મહિલા કમિશનરની ચેમ્બરમાં પ્રવેશ કરે તે પહેલા તેની આંખોમાંથી અશ્રુ વહેવા લાગે છે, જયારે તેના રડવાનું કારણ પુછયુ તો મહિલાએ કહ્યુ સાહેબ લાંબા સમયથી તેનો દિકરો સંગ્રામ વિવિધ પ્રકારના ડ્રગનો બંધાણી થઈ ગયો છે, હવે તો તે ઘર છોડી જતો રહ્યો છે કઈ પણ કરો પણ તેને બચાવી લો, મહિલાની વ્યથા સમજી તરત કમિશનર અગ્રવાલ આસીસ્ટન્ટ પોલીસ કમિશનર ડી વી બસીયાને બોલાવી તમામ રીતે મહિલાને મદદરૂપ થવાની સુચના આપી સંગ્રામને શોધી કાઢવાનો આદેશ કાઢો.

પોલીસ કમિશનરની સુચના મળતા એસીપી બસીયા સ્પેશીયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઈન્સપેકટર આર વાય રાવલ અને તેમના સ્ટાફને બોલાવી સંગ્રામને શોધી કાઢવાની સુચના આપી, જેના આધારે એસઓજી પીએસઆઈ એમ એસ અંસારી અને તેમને ટીમ કામે લાગી આ દરમિયાન બાતમીદાર દ્વારા માહિતી મળી કે રાજકોટના જયુબીલી ચોકમાં ડ્રગ લેનારની અવરજવર છે, જેના આધારે એસઓજીની ટીમ એક હોટલ ઉપર ત્રાટકી તો પોલીસને એક રૂમમાંથી સંગ્રામ તો મળી આવ્યો પણ સંગ્રામ સાથે એક યુવતી પણ મળી આવી હતી, પોલીસે આ અંગે સંગ્રામની માતાને જાણ કરતા તે પણ ત્યાં આવી પહોંચી પરંતુ આખી ઘટનામાં એક નવો વળાંક આવ્યો હતો.
પોલીસને જાણકારી મળી કે સંગ્રામ અને વિભા ખુબ સારા મિત્રો હતા, પરંતુ તેઓ મિત્ર હતા ત્યાંથી ડ્રગના રવાડે ચઢી ગયા અને બંધાણી બની ગયા હતા, જો કે થોડા સમય પછી સંગ્રામ અને વિભાએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને લગ્ન કરી લીધા હતા, પરંતુ બંન્ને ડ્રગના બંધાણી હોવાને કારણે કોઈને કોઈ કારણસર તેમની વચ્ચે કંકાસ ચાલતો હતો આથી તેમણે અલગ થવાનો નિર્ણય કરી છુટાછેડા લીધા હતા, સંગ્રામ અને વિભા અલગ થયા પરંતુ ડ્રગ લેવા માટે તેઓ બહાર કયાંકને કયાંક મળતા હતા, સંગ્રામ અને વિભાની માનસીક સ્થિતિ જોતા રાજકોટ પોલીસે તેમની સામે ગુનો નોંધવાને બદલે તેમને વ્યસન મુકિત કેન્દ્રમાં સારવાર મળે તેવી વ્યવસ્થાનો નિર્ણય કર્યો હતો.
પોલીસ તેમને સારવાર માટે લઈ ગઈ જયાં તેમની સારવાર શરૂ થઈ અને સંગ્રામ અને વિભામાં ખાસ્સો સુધારો થયો અને તેઓ ડ્રગના બંધનમાંથી મુકત થતાં સંગ્રામની માતા સંગ્રામને ઘરે લઈ ગઈ હતી, પણ પોલીસના મનમાં શંકા હતી કે કયાંક વિભા ફરી ડ્રગના રવાડે ચઢે નહીં કારણ તેને તો 16 વર્ષની હતી ત્યાંથી ડ્રગ લેતી હતી, આથી વિભાને સુચના હતી કે તેણે રોજ સવારે મહિલા કોન્સટેબલની સાથે એસઓજીની ઓફિસે આવી જવાનું , વિભા તે પ્રમાણે રોજ આવતી જયાં એસીપી બસીયા વિભાનું કાઉન્સીલીંગ કરતા હતા.
વિભાનું ધ્યાન રાખવાની જવાબદારી મહિલા કોન્સટેબલ શાંન્તુ મળીયાની હતી, તાજેતરમાં કોન્સટેબલ શાંન્તુ કોઈ ફોર્મ ભરી રહ્યા હતા ત્યારે વિભાએ શુ કરો છો તેવુ પુછતાં શાંન્તુએ જવાબ આપ્યો કે પોલીસ સબઈન્સપેકટરની ભરતી આવી છે તેનું ફોર્મ ભરી રહી છુ, થોડો વિચાર કર્યા પછી વિભાએ પુછયુ હું પોલીસ સબઈન્સપેકટર થઈ શકુ, વિભાએ બીકોમનો અભ્યાસ કર્યો હોવાને કારણે તેની શૈક્ષણિક લાયકાત તો હતી, પોલીસ અધિકારીઓએ તેને પ્રોત્સાહન આપ્યુ અને વિભાએ પીએસઆઈની પરિક્ષા માટેનું ફોર્મ ભર્યુ, એટલુ જ નહીં એસઓજી દ્વારા વિભાનું નામ એક કોચીંગ કલાસમાં લખાવી તેની પરિક્ષાની તૈયારીઓ પણ કરાવી, વિભા શારિરીક પરિક્ષામાં પાસ થાય તે માટે એક કોચ તાલીમ આપે તેવી પણ વ્યવસ્થા કરી, પીએસઆઈ અંસારી કહે છે હવે વિભા ડ્રગને યાદ પણ કરતી નથી, તે પીએસઆઈ થવાની તૈયારીમાં લાગી ગઈ છે, વિભાની ઈચ્છા છે કે તે પોલીસમાં આવી તેની જેમ ડ્રગના રવાડે ચઢેલા યુવાનોને પાછા વાળે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









