તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ રાજકોટ): રાજકોટની ભાગોળે આવેલા હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના કાર્યની સમિક્ષા કરવા માટે આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના આગમનની જાણ થતા પત્રકારો પણ નિર્માણાધીન એરપોર્ટ પર પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચેલા પત્રકારો સાથે પોલીસ અધિકારીનું ઘર્ષણ થતા મામલો બિચક્યો હતો. આ ઘટનામાં કથિત રીતે પોલીસ અધિકારીએ મીડિયાકર્મીઓ અને પત્રકારો સાથે ગેરવર્તન કર્યું હતું. આ ઘટનાની જાણ થતા જ હાજર મુખ્મંત્રીએ પાછું વાળવા દિલગીરી વ્યક્ત કરી મામલો થાળે પાડવો પડ્યો હતો.
સમગ્ર ઘટના મામલે જાણકારી મેળવવા આ ઘટના સમયે હિરાસર એરોપર્ટ પર હાજર રહેલા યુવા પત્રકાર સાથે વાત કરવામાં આવી હતી. જેમાં તેઓ એ જણાવ્યું કે, સૌ પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી રાજકોટ આવતા હોય તો માહિતી ખાતું પહેલાથી જ પત્રકારનો વોટ્સએપ ગ્રુપના માધ્યમથી જણાવી દેતું હોય છે. ઉપરાંત જો મુખ્યમંત્રીનું ઈવેન્ટ સ્થળ દૂર હોય તો પત્રકારો માટે આવવા-જવાની વાહન વ્યવસ્થા પણ કરી આપવામાં આવતી હોય છે. પરંતુ શંકાસ્પદ રીતે મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલના આવ્યા બાદ માહિતી ખાતું પહેલા કરતા નિરસ જોવા મળે છે.
આ વખતે તેવું જ થયું છે કે મુખ્યમંત્રીના આગમનની કોઈ અગાઉથી જાણકારી પત્રકારોને આપવામાં આવી નથી. બાદમાં જ્યારે પત્રકારોએ ભાજપના રાજૂ ધ્રુવ સાથે આ મામલે વાત કરી ત્યારે તેમણે કોઈ વાહન વ્યવસ્થા ગોઠવી આપી હતી. એરપોર્ટ પર પહોંચતા પત્રકારો માટે કોઈ ગાઈડ કે માહિતી આપનાર વ્યક્તિ હાજર ન હોય પત્રકારો સીધા એરપોર્ટમાં તાણેલા તંબુ તરફ આગળ વધ્યા હતા. દરમિયાન પત્રકારોને પોલીસ અધિકારી સાથે કથિત રીતે ઘર્ષણ થયું હતું. આમ મામલો બગડ્યો હતો અને કથિત રીતે પોલીસે કેટલાક પત્રકારોને પોલીસવાનમાં બેસાડી લિધા હતા.
પત્રકારો સાથે થયેલા ગેરવર્તનની ઘટનાની માહિતી મળતા હાજર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. બીજી તરફ પત્રકારોએ મુખ્યમંત્રીને પણ આ મામલે જણાવ્યું હતું કે, જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે આ જ માહિતી ખાતું પત્રકારોને અગાઉથી માહિતી આપતું હતું. પણ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી બદલાયા છે ત્યારથી માહિતી ખાતાની પધ્ધતિ પણ બદલાઈ છે.
આ મામલે માહિતી ખાતાના અધિકારી સોનલબેન જોશીપુરા સાથે આ મામલે ટેલિફોનીક ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી માત્ર સમીક્ષા કરવા માટે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. આ કાર્યક્રમ 25 કિલોમીટર દૂર હતો માટે વાહન વ્યવસ્થાનો સવાલ ન હતો. વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે અને હાલની કામગીરી બાબતેના આક્ષેપ મામલે તેમણે જણાવ્યું કે, આ પ્રકારની કોઈ જ વાત નથી વિજયભાઈ રાજકોટના હોય સતત અને લાંબા સમયના કાર્યક્રમો થતા હતા જ્યારે હાલ મુખ્યમંત્રી રાજકોટ આવે છે ત્યારે પણ પત્રકારોને જાણ કરીએ છીએ. પરંતુ ટુંકા સમયની મુલાકાત કે જેમાં સમિક્ષા કરી મુખ્યમંત્રી જતા રહેવાના હોય માટે અગાઉથી કોઈ સુચના આપવામાં નથી આવી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘટનામાં મુખ્યમંત્રીએ મોટું મન રાખી દુઃખ વ્યક્ત કર્યું હતું. પણ છતાં પત્રકારોને માટે આ ઘટના યાદગાર બની ગઈ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











