પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. જુનાગઢ): દિવાળીનો સમય હતો, સવારના સમયમાં ભાવનગર પોલીસને સંદેશો મળ્યો કે દરજીના એક દુકાનમાં હત્યા થઈ છે, એ ડીવીઝનમાં પોલીસ ઈન્સપેકટર પ્રદિપસિંહ જાડેજા ઘટના સ્થળે પહોંચ્યા, દરજીની તેની જ કાતરથી હત્યા કરી દેવામાં આવી હતી હત્યા કોણે કરી શુ કામ કરી તેની કોઈ કડી હજી સુધી પોલીસને મળી રહી ન્હોતી, ત્યાં સાંજ પડતા એક બીજો સંદેશો આવ્યો કે તખ્તેશ્વર પ્લોટ પાસે આવેલા તીરૂપતી ફલેટમાં હત્યા થઈ છે, પીઆઈ જાડેજા તરત ઘટના સ્થળે પહોંચ્યા, પોલીસે તીરૂપતિ ફલેટમાં જઈ જોયુ તો સંગીતાબહેન નામની મહિલા અને તેના 11 વર્ષના પુત્ર દેવેશની હત્યા કરી દેવામાં આવી હતી, સંગીતા અને દેવેશની હત્યા અત્યંત ક્રુરતાપુર્વક કરવામાં આવેલી હતી, સંગીતાનો પતિ સભાજીત પાંડે સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો પોલીસ માટે મુંઝવણ હતી કે એક સીકયુરીટી ગાર્ડના ઘરમાં ડબલ મર્ડર શુ કામ કરે, પણ પોલીસના ધ્યાનમાં આવ્યુ કે સંગીતાએ પહેરેલા દાગીના ન્હોતા અને તીજોરી ખુલ્લી પડી હતી.
ઈન્સપેકટર પ્રદિપસિંહ જાડેજાએ તપાસનો પ્રારંભ કર્યો અને અન્ય પોલીસ અધિકારીને શંકા હતી કે સભાજીત પાંડેએ જ કોઈ કારણસર પોતાની પત્ની અને દિકરાની હત્યા કરી હશે, પણ તેવુ કોઈ ઠોંસ કારણ પણ પોલીસ પાસે ન્હોતુ પણ જયાં હત્યા થઈ તે ફલેટની એક મહિલાએ જણાવ્યુ કે હત્યા પહેલા એક માણસ આવ્યો હતો પણ ત્યારે સંગીતા પોતાના દિકરાને લેવા સ્કુલે ગઈ હતી આથી આ માણસને પડોશી મહિલાએ પાણી પણ આપ્યુ હતું થોડીવાર પછી મહિલાએ જોયુ તો આ માણસ સંગીતાના ઘરમાં બેઠો હતો અને સંગીતાએ તેના માટે ચ્હા પણ બનાવી હતી આમ નક્કી થયુ કે આ માણસ સંગીતાને ઓળખતી હતી, પણ સંગીતાના ઘરે કોણ પરિચીત આવ્યો તે નક્કી થતુ ન્હોતુ આ દરમિયાન દરજીની દુકાન પાસે આવેલા કરિયાણાની દુકાનવાળાએ પોલીસને જાણકારી આપી કે મુળ ઉત્તર પ્રદેશનો સુધીશ દ્વીવેદીની અવરજવર અહિયા હતી પણ તે હવે નજરે પડતો નથી.
પોલીસે જયારે સભાજીત પાંડને પુછયુ ત્યારે તેણે કહ્યુ સુધીશ તેનો પરિચીત છે પહેલા તે ભાવનગરમાં રહેતો હતો લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હતો, પોલીસને સભાજીતના ઘરમાંથી એક કંકોત્રી મળી તે સુધીશના દિકરાના લગ્નની હતી જેની ઉપર સુધીશનો નંબર પણ હતો આ નંબરની કોલ ડીટેલ અને લોકેશન ચેક કર્યા તો પોલીસને આશ્ચર્ય થયું કારણ દરજીની દુકાન અને તીરુપતી ફલેટ પાસે તેની અવરજવર હતી આથી ઈન્સપેકટર જાડેજાએ સુધીશ દ્વીવેદી ઉપર ધ્યાન કેન્દ્રીત કરી તેનું લોકેશન જાણવાનો પ્રયત્ન કર્યો તો જાણકારી મળી કે તે ઉદયપુર છે, બીજા દિવસે એક મહત્વની જાણકારી મળી તેણે કોઈ ટ્રાવેલ્સ કંપની સાથે વાત કરી છે, આથી ઈન્સપેકટર જાડેજાએ તરત તે નંબર વાત કરતા તે નંબર અમદાવાદના તન્ના ટ્રાવેલ્સનો નિકળ્યો તન્ના ટ્રાવેલ્સને જયારે ચોક્કસ ટેલીફોન નંબર આપી જાણકારી માગી તો જવાબ મળ્યો કે અમદાવાદ ભાવનગર આવી રહેલી બસમાં છ નંબરની સીટ ઉપર સુધીશ દ્વીવેદી પ્રવાસ કરી રહ્યો છે.
તરત ઈન્સપેકટર પ્રદિપસિંહ જાડેજા પોતાના સ્ટાફ સાથે ભાવનગરની નારી ચોકડી ઉપર ગોઠવાઈ ગયા અને તન્ના ટ્રાવેલ્સની બસ આવતા તેમાથી સુધીશને ઉતારી પોલીસ સ્ટેશન લઈ ગયા શરૂઆતમાં તો સુધીશે ગલ્લા તલ્લા કર્યા પણ પોલીસનો તાપ સહન નહીં થતાં ત્રણે હત્યા તેણે જ કરી હોવાની કબુલાત કરી હતી, તેની કેફીયત પ્રમાણે તે લેબર કોન્ટ્રાકટર હતો તેને એક ફેકટરી સાથે વાંધો પડતા તે લેબર કોર્ટમાં ગયો હતો, જેમાં તેને વકિલને ફિ ચુકવવાની હતી પણ ફિ આપી નહીં હોવાને કારણે વકિલ કેસ ચલાવતો ન્હોતો, એટલે ઉત્તર પ્રદેશથી પરત આવેલા સુધીશે વૃદાવન હોટલમાં રોકાણ કર્યુ હતું, તેણે પૈસા કયાંથી મળશે તેવુ નક્કી કરી પહેલા દરજીની હત્યા કરી હતી પણ દરજીની દુકાનમાં તેને એક પણ પૈસા મળ્યા નહીં આથી તેણે પોતાના પરિચીત સભાજીત પાંડેના ઘરે જવાનું નક્કી કર્યુ હતું.
સંગીતા પણ સુધીશને ઓળખતી હતી હત્યા પહેલા સંગીતાએ તેને ચ્હા બનાવી આપી હતી, બાદ તે રસોડામાં જતા પહેલા સુધીશે દિકરા દેવેશની હત્યા કરી ત્યાર બાદ સંગીતાની પણ હત્યા કરી હતી સંગીતાએ પહેરેલી બંગડી અને ઘરેણા ઉતારી તીજેરીમાં પડેલા પંદર હજાર કાઢી લીધા હતા ત્યાર પછી તે ભાવનગરથી નિકળી ઉદયપુર ગયો જયાં તેણે ઘરેણા વેંચ્યા હતા અને પાછો વકિલને ફિ આપવા ભાવનગર આવ્યો હતો જયાં પકડાઈ ગયો હતો આ કેસ 2018માં ચાલી જતા ભાવનગર કોર્ટે સુધીશને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
ભારતના ગૃહ વિભાગે સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી પોલીસ અધિકારીઓને સન્માનીત કરવાની પરંપરા શરૂ કરી છે જેના ભાગ રૂપે ગુજરાતના દસ પોલીસ અધિકારીઓને આ સન્માન આપવામાં આવ્યુ હતું હાલમાં જુનાગઢમાં ડીવાએસપી તરીકે ફરજ બજાવતા પ્રદિપસિંહ જાડેજાને અમદાવાદના શાહના નડીયાદ ખાતે આ ડબલ મર્ડર કેસના ગુનેગારને પકડી તેને સજા અપાવવાની કામગીરી માટે સન્માનીત કર્યા હતા.

જુનાગઢ પોલીસે માત્ર 24 મિનિટ 12 સેકંડમાં એબ્યુલન્સ કેશોદ પહોંચાડી, ગ્રીન કોરિડોર માટે DySP જાડેજાએ ટ્રેન પણ થંભાવી
નવજીવન ન્યૂઝ. જુનાગઢ: ગુજરાતમાં એક જ દિવસમાં ત્રણ વિવિધ સ્થળો અમદાવાદ સિવિલ હોસ્પિટલ, વડોદરા અને જૂનાગઢમાં અંગદાન થયું છે. રાજ્યમાં એક જ દિવસમાં ત્રણ સ્થળોએ અંગદાન થયું હોય તેવી આ પ્રથમ ઘટના છે. ઉપરાંત જુનાગઢમાં ઇતિહાસમાં પ્રથમ ઘટના બ્રેઇન ડેડ થયેલા વ્યક્તિનું અંગદાન કરવામાં આવ્યું છે. જુનાગઢના બ્રેઇનડેડ મગનભાઇના અંગોને પ્રત્યારોપણ માટે “એર એમ્બ્યુલન્સ” મારફતે કેશોદ થી અમદાવાદ સિવિલ મેડિસીટીમાં લાવવામાં આવ્યા હતા.
જુનાગઢના વંથલી તાલુકાના રવની ગામના ૬૬ વર્ષના મગનભાઇ ગજેરાને બ્રેઇનસ્ટ્રોક આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા હોસ્પિટલના તબીબએ પરિવારજનોને અંગદાન અંગે સમજાવતા તેઓએ મગનભાઇના અંગોનું દાન કરવા માટે તૈયારી દર્શાવી હતી. બ્રેઇનડેડ મગનભાઇના બંને કિડની અને લીવરનું દાન મળ્યું. જેને કેશોદ થી એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં પ્રત્યારોપણ માટે લાવવામાં આવ્યું.
મગનભાઇ બ્રેઇનડેડ થતાં પરિવારજનો અંગદાન માટે તૈયારી દર્શાવતા તબીબોની સલાહ મુજબ મગનભાઇના શરીરમાંથી અંગ કાઢીને અન્યના શરીરમાં તાત્કાલિક ધોરણે પ્રત્યારોપણ કરવામાં આવે તો જ નવજીવન મળે તેમ હતું. જુનાગઢથી કેસોદ સુધી ગ્રીન કોરિડોર જાહેર કરીને અંગોને તાત્કાલિક ધોરણે અન્ય બે લોકોને નવી જિંદગી આપવા માટે એર એમ્બુલન્સ મારફતે ડોકટર સાથે અમદાવાદ લાવવામાં આવ્યા હતા.જો કે આ કામ માટે જુનાગઢ પોલીસની કામગીરી પણ એટલી જ મહત્વની રહી છે.

આ અંગે જુનાગઢના DySP પ્રદિપસિંહ જાડેજા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે, અંગોને તાત્કાલિક ધોરણે કેશોદ પહોંચાડવું તેમના માટે પણ એક પડકાર હતો. અગાઉ ક્યારેય જુનાગઢમાં ગ્રીન કોરિડોર જાહેર થયો ન હતો. ઉપરાંત જે રસ્તા પરથી ગ્રીન કોરિડોર પસાર થવાનો હતો સાકળો અને સિંગલ પડ્ડી જેવા રોડ હતો. બીજો પડકારએ હતો કે આ માર્ગ ઉપર એક રેલ્વ ફાટક પણ આવેલું છે. જે સમયે અંગોને લઈને પસાર થવાનું હતું તે જ સમયે ત્યાંથી રાજકોટ સોમનાથ જતી ટ્રેન પસાર થવાની હતી. જો ટ્રેન પરાસ થાય તો રેલ્વ ફાટક પર ટ્રાફિક સર્જાવાની સંભાવના રહેલી હતી. જેથી ગ્રીન કોરિડોર અંગેની જાણકારી રેલ્વેને આપવામાં આવતા DySP જાડેજાની વાતની ગંભીરતા સમજીને ટ્રેનને નજીકના સ્ટેશન પર થંભાવી દીધી હતી.
જુનાગઢ પોલીસે માત્ર 24 મિનિટ 12 સેકંડમાં જૂનાગઢથી કેશોદ એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવી ઓર્ગનને લઈ નીકળેલા ડોક્ટર અને એબ્યુલન્સ સહીસલામત પહોંચાડ્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












