Sunday, May 24, 2026
HomeGeneralઅમદાવાદઃ ડબ્બા ટ્રેડીંગમાં પોલીસે રેડ કરી -વહિવટદારનો ફોન આવ્યો તમારૂ લઈ નિકળી...

અમદાવાદઃ ડબ્બા ટ્રેડીંગમાં પોલીસે રેડ કરી -વહિવટદારનો ફોન આવ્યો તમારૂ લઈ નિકળી જાવ પછી રેડ કરનાર કોન્સટેબલોની બદલી થઈ આવુ પણ થાય છે

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ):પોલીસ દળમાં શકિતશાળી અધિકારી હોવા જોઈએ પણ જે ઉલ્ટી ગંગા શરૂ થઈ છે તેના કારણે વહિવટદાર કેટલા શકિતશાળી થયા છે તેનું એક નાનકડુ ઉદાહરણ છે, અમદાવાદના પશ્ચીમ વિસ્તારના એક પોલીસ સ્ટેશનના ઈન્સપેકટર રજા ઉપર હતા, તેમનો હવાલો બાજુના પોલીસ સ્ટેશનના ઈન્સપેકટરને આપવામાં આવ્યો હતો, આ દરમિયાન જે પોલીસ સ્ટેશનના ઈન્સપેકટર રજા ઉપર તે પોલીસ સ્ટેશનના બે કોન્સટેબલને એક બાતમીદારે જાણકારી આપી કે તેમના તાબાના વિસ્તારમાં શેર બજારનું ડબ્બા ટ્રેગીંડ ચાલી રહ્યુ છે, આ જાણકારી મળતા આ બે કોન્સટેબલે બાજુના પોલીસ સ્ટેશનના ઈન્સપેકટરને જાણકારી આપી કે આ પ્રકારની એક બાતમી મળી છે, આ ઈન્સપેકટર સરળ સ્વભાવના છે તેમણે આદેશ આપ્યો કે જો બાતમી મળી જો રેડ કરો, આથી આ બે કોન્સટેબલો બાતમીદાર અને ખાનગી ટેકનીકલ માણસને લઈ જયાં બાતમી હતી ત્યાં પહોંચી ગયા હતા.


ખાનગી ટેકનીકલ માણસ ટ્રેડીંગ કરતા શંકાસ્પદ વ્યકિતના ટર્મીનલ ચેક કરતા પુરાવા મળ્યા હતા કે ડબ્બા ટ્રેડીંગ થઈ રહ્યુ છે, આથી તરત આ બે કોન્સટેબલએ ઈન્સપેકટરને જાણકારી આપી કે બાતમી સાચી છે, આથી ઈન્સપેકટરે ગુનો નોંધવાનો આદેશ આપ્યો પરંતુ કોન્સટેબલ પાસે કેસ કરવાની સત્તા નહીં હોવાને કારણે કોન્સટેબલે કોઈ સબઈન્સપેકટરને મોકલી આપવા જણાવ્યુ હતું, આ દરમિયાન જેને ત્યાં રેડ થઈ તેણે કેટલાંક ફોન કર્યા હતા. એટલે સબઈન્સપેકટર સ્થળ ઉપર પહોંચે તે પહેલા એખ વહિવટદારનો કોન્સટેબલો ઉપર ફોન આવ્યો કે તમારો હિસાબ લઈ ત્યાંથી નિકળી જાવ કેસ કરવાનો નથી, આથી કોન્સટેબલોએ કહ્યુ અમને તો ઈન્સપેકટરની સુચના છે કે કેસ કરવાનો છે, આથી વહિવટદારે કહ્યુ કે હું ઈન્સપેકટર સાથે વાત કરી લઉ છુ.

- Advertisement -

આથી આ કોન્સટેબલે તરત ઈન્સપેકટરને જાણ કરી કે વહિવટદાર તરફથી આવી સુચના આપી છે, ઈન્સપેકટર સરળ સ્વભાવના હોવાને કારણે તેમણે નરોવા કુંજરોવા જેવો જવાબ આપ્યો કારણ તેઓ પણ વહિવટદાર સાથે બગાડવા માગતા ન્હોતા, થોડીવાર પછી વહિવટદારે રેડમાં ગયેલા કોન્સટેબલોને કહ્યુ કે પચાસ હજાર રૂપિયા તમને આપી દેશે ત્યાં નિકળી જાવ, પણ આ કોન્સટેબલો ચબરાક હતા તેમણે ટર્મીનલ ઉપર જે હિસાબો જોયા હતા તે જોઈ સમજી ગયા કે મામલે પચાસ હજાર રૂપિયાનો નથી, તેમણે વહિવટદાર સાથે દલીલ કરી તો જવાબ મળ્યો પચાસ હજાર કરતા વધુ મળશે નહીં. જો લેવા હોય તો તમારી રીતે લઈ લો. જે ખાનગી ટેકનીકલ માણસ હતો તેણે કોન્સટેબલોને આખો કારોબાર કેટલાનો છે તે સમજાવ્યુ.


ટર્મીનલ ધરાવનારી વ્યકિત પણ સમજી ગઈ, રેડમાં આવેલા કોન્સટેબલો અપેક્ષા કરતા વધારે હોશીયાર છે આથી એક મોટી રકમ નક્કી થઈ અને ત્યાં ચુકવાઈ પણ ગઈ, આ રકમ લઈ કોન્સટેબલો તરત પોલીસ સ્ટેશન આવ્યા અને ઈન્સપેકટર પાસે તે રકમ મુકી, ઈન્સપેકટરો આ રકમમાં પોતાનો હિસ્સો બાજુ ઉપર કાઢી પોતાના ઉપરી અધિકારીના પણ બે ભાગ અલગ કાઢયા બાકીની રકમ કોન્સટેબલો, બાતમીદાર અને ટેકનીકલ માણસને આપી દીધી. પણ આખી વાતમાં નારાજ પેલા વહિવટદાર થયા હતા કારણ રેડમાં ગયેલા કોન્સટેબલે તેમની ઉપર વટ જઈ કામ કર્યુ હતું દસ દિવસમાં મામલો ડીસીપી પાસે પહોંચ્યો પહેલા તો આખા પોલીસ સ્ટેશનના સ્ટાફને નબળી કામગીરી છે તેમ કહી ઠપકો આપ્યો અને ત્યાર બાદ જે કોન્સટેબલો રેડમાં ગયા હતા તેમને એક રૂમમાં બોલાવવામાં આવ્યા અને ત્યાં તેમને કહેવામાં આવ્યુ કે તમે તોડ કર્યો છે તમારી સામે ગુનો નોંધવાનો છે.

આ કોન્સટેબલોને આશ્ચર્ય થયું કારણ જે સાહેબ ગુનો નોંધવાની વાત કરતા હતા તોડમાં તેમને હિસ્સો પણ હતો, આથી આ કોન્સટેબલો તરત ઈન્સપેકટર પાસે ગયા અને કહ્યુ સાહેબ તોડમાં તો તમારા સહિત મોટા સાહેબ સુધી બધા જ ભાગીદાર છે તો અમારી સામે જ કેમ ગુનો નોંધવામાં આવે છે, ઈન્સપેકટર સમજી ગયા કે જો કોન્સટેબલ સામે ગુનો નોંધાય તો તેઓ તેમના જવાબમાં કોણે કોણે પૈસા લીધા તે તેમના નામ જાહેર કરશે, આથી એક અધિકારીએ વચ્ચે પડયા અને વચલો રસ્તો કાઢયો કે તોડની બધી રકમ એકત્રીત કરી મોટા સાહેબને આપી દેવી, આથી તેમણે પણ ભાગ લીધો હતો તે તમામે પોતાના ભાગે આવેલી રકમ ભેગી કરી સાહેબના વહિવટદારને આપી દીધી. બધા માની રહ્યા હતા કે ઘીના ઠામમાં ઘી ઢળ્યુ પણ સાંજ પડતા રેડમાં ગયેલા બે કોન્સટેબલોની બદલી અમદાવાદ પોલીસની કે કંપનીમાં કરી દેવામાં આવી,

- Advertisement -

આથી કોન્સટેબલો પાછા પેલા વહિવટદાર પાસે આવ્યા અને કહ્યુ સાહેબની આટલી મોટી રકમ આપી દીધા પછી પણ અમારી બદલી કેમ કરવામાં આવી તો વહિવટદારે જવાબ આપ્યો કે વહિવટ તો ગુનો નહીં દાખલ કરવા માટેનો છે આપણે કયાં બદલીની વાત કરી હતી.



પોલીસ ઈન્સપેકટરો સહિત કર્મચારીઓને કેમ વહિવટદારોનો ડર લાગે છે જાણો આ છે કારણ

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): તમારે કોઈ પણ નોકરી મેળવવી હોય તો પરિક્ષા પાસ કરવી પડે છે, પરંતુ પોલીસમાં વહિવટદાર થવા માટે કોઈ પણ પરિક્ષા નહીં હોવા છતાં એક વિશિષ્ઠ આવડત હોવી પણ જરૂરી છે, કારણ બધા જ પોલીસવાળા સારા વહિવટદાર થઈ શકતા નથી, છેલ્લાં લાંબા સમયથી જે સ્થિતિ નિર્માણ થઈ છે તેમાં વહવિટદારની ભુમીકા એટલા માટે અગત્યની છે કે તેમની ખાનગી સત્તાઓ અમાપ છે, તે ધારે તેની બદલી કરાવી શકે અને ધારે ત્યાં મોનીટરીંગ સેલના દરોડા પડાવી શકે છે, એટલે કોઈ પોલીસ કર્મચારી પોતાના સિનિયર સામે પડવાની હિમંત કરી શકે પણ વહિવટદાર સામે પડવાની ગુસ્તાખી કરતા નથી. અમદાવાદ શહેરમાં હાલમાં 80 કરતા વધુ વહિવટદારો પોતાની સેવા આપી રહ્યા છે જો કે આ પ્રકારની વિશિષ્ઠ આવડત ધરાવતા વહિવટદારોમાં એક ચોક્કસ જ્ઞાતિનું પ્રભુત્વ છે આ એક સંજોગ પણ હોઈ શકે છે, 80માંથી 70 એક જ જ્ઞાતિના છે જયારે બાકીના દસ ઈતર જ્ઞાતિના છે.



સરકારી ચોપડે વહિવટદારની કોઈ વ્યવસ્થા નથી પણ આપણે વિપરીત સ્થિતિમાં રસ્તો કાઢનારી પ્રજા છીએ, આમ પોલીસે પણ વહિવટદારની એક ગુપ્ત વ્યવસ્થા ઉભી કરી છે, જેનું કામ પોલીસ અધિકારીઓ અને પ્રજા વચ્ચે સંકલન કરવાનું છે, વહિવટદારની પ્રાથમિકતા હોય છે કે જે સાહેબનો વહિવટ કરે તેમની છબી બેદાગ રહે છે. આમ સાહેબના નામે બધો જ વહિવટ કરવાનો હોવા છતાં સાહેબની આબરૂને છાંટો પણ ઉડવો જોઈએ, જરૂરી પડે પોતાની બદલી કે કંપનીમાં થાય તેની તૈયારી પણ તેઓ રાખે છે, જો કે કે કંપનીમાં ગયા પણ પણ વહિવટ તો પોતાના હસ્તક જ રહેવાનો છે તેની પાક્કી ખાતરી હોય છે. કે કંપનીમાં રહીને પણ વહિવટ કરતા ઘણા વહિવટદારોની આ સેવામાં એટલી પક્કડ આવી ગઈ છે કે તેઓ હવે પેટા વહિવટદાર રાખવા લાગ્યા છે, સ્વભાવીક છે સમયની સાથે જેમ ધંધાનો વિસ્તાર થાય તેમ સેવાનો પણ વિસ્તાર તો થવાનો જ છે.

- Advertisement -

અમેરીકાની શોધ કોલંબસે કરી તેની આપણને ખબર છે પરંતુ વહિવટદારની શોધ કોણે કરી તેની આજ સુધી કોઈને ખબર નથી, દોષ માત્ર પોલીસ ઈન્સપેકટરોને નથી એસીપી ડીસીપી, જોઈન્ટ સીપી ડીએસપી સહિત તમામ પાસે એટલુ બધુ કામ છે કે તેઓ એકલા હાથે પહોંચી વળતા નથી એટલે વહિવટદાર હોવો અનિવાર્ય બની ગયો છે જો કે અમદાવાદમાં બે ત્રણ એવા વિર પોલીસ ઈન્સપેકટરો પણ છે જેમણે હમણાં સુધી કોઈ વહિવટદાર રાખ્યો નથી તેઓ એકલા હાથે બધુ સંભાળી લે છે જો કે તેમને પણ રોજ કોઈને કોઈ ઉચ્ચ અધિકારીના ચોક્કસ નામના વહિવટદાર માટે ફોન આવે છે કે તમે પણ તેમની સેવાનો લાભ લો. વહિવટદારને નારાજ કરવુ ઈન્સપેકટરને પણ પોષાય તેમ નથી, જો કોઈ ઈન્સપેકટર અથવા અધિકારી તેવુ નક્કી કરે કે હું ઘરેથી બંન્ને ટાઈમનું ટીફીન લઈ આવીશ, ચ્હા પણ પોતાના પૈસાથી પીઈશ, કોઈની કોઈ સેવા લઈશ નહીં તો વહિવટદાર વગર ચાલે પણ, તમે કોઈને સેવા ના લો ત્યાં સુધી પણ વાંધો નથી, પણ ઉપરી અધિકારી તમને સેવા આપે તો તે સેવાઓ પુરી પાડવા માટે પણ વહિવટદાર જરૂરી છે.



પોલીસ ઈન્સપેકટર અને ઉપરી અધિકારી કરતા પોલીસ કર્મચારીઓને વહિવટદારનો ખુબ ડર લાગે છે કારણ કયા પોલીસને કયાં નોકરી હશે, બંદોબસ્તમાં કોણ જશે, નાકાબંધી અને વાહન ચેકીંગ કોણ કરશે, કોર્ટ ડયુટીમાં કોણ રહેશે પીસીઆર વાહનમાં કોણ જશે આ બધુ નક્કી કરવામાં વહિવટદાર મહત્વનો હોય છે જો કે ઈરાદો ઈન્સપેકટરનું કામનું ભારણ ઘટાડવાનો જ હોય છે. આ સ્પર્ધાના યુગ છે, જે સતત બદલાતો અને પરિવર્તનશીલ રહે છે તે જ ટકે છે તેવુ વહિવટદારોમાં છે, જરૂરી નથી કે તે પોતાના વિસ્તારમાં વહિવટ કરી શકે, નોકરી ગમે તે પોલીસ સ્ટેશનમાં હોય પણ વહિવટ કોઈ પણ પોલીસ સ્ટેશનનો લેવાની તેમની ક્ષમતા હોય છે. જો પોતાના વહિવટમાં કોઈ ફાચર મારે તો તો સ્ટેટ મોનીટરીંગ સેલ તો સદા તત્પર હોય છે એક ફોન કોલ ઉપર એસએમસીની સેવા મળી જ રહે છે જેમાં ગુમાવવાનું ઈન્સપેકટરને આવે છે એટલે તે પણ જુના વહિવટદારને બદલી નવો રાખવાની હિમંત કરતા નથી.

અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશનો અને વિવિધ ઓફિસો અને બ્રાન્ચો મળી 80 કરતા વધુ વહિવટદારો પોતાની સેવા આપી રહ્યા છે કદાચ 80નો જે આંકડો છે તે ખોટો પડવાની સંભાવના પણ છે કારણ તેના કરતા બે ગણા વધારે હોય તો નવાઈ નહીં, આ તો સરકારી કર્મચારીનો આંકડો છે કારણ અમદાવાદમાં રોજ પાંચ એવા માણસો મળે છે જે કહે છે સાહેબનું કોઈ કામ હોય તો કહેજો પણ એક સંજોગ એવો છે કે અમદાવાદ શહેરમાં 95 ટકા વહિવટદાર એક જ જ્ઞાતિના છે, જો કે તેમની જ્ઞાતિના ઉચ્ચ અધિકારીઓ પણ ભલા માણસ છે કારણ તેઓ પાતાની જ્ઞાતિના પોલીસવાળાને વહિવટ મળે તે માટે, સંબંધીતોને ફોન પણ કરે છે. આપણે સુધારાવાદી લોકો છીએ એટલે કોણ કઈ જ્ઞાતિનો છે તે આપણો વિષય નથી છતાં ઈતર જ્ઞાતિના પોલીસવાળા પાસે વહિવટ જાય તો તેનો કેવી રીતે વહિવટ કરી નાખવો તેની પણ યોજના હોય છે. (અહિયા કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં તેવી વિનંતી છે આ એવી સ્થિતિ છે જેને કોઈ બદલી શકે તેમ નથી અને બદલવાનો ઈરાદો પણ નથી) મોઝ કરો.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular