Friday, September 25, 2026
HomeGeneralઘઉની વર્તમાન તેજી લાંબુ નહીં ખેંચે

ઘઉની વર્તમાન તેજી લાંબુ નહીં ખેંચે

- Advertisement -

ફંડામેન્ટલ્સ અને રાજકીય સિવાય પણ અનેક કારણો ટૂંકાગાળામાં ઘઉમાં મોટી ઉથલપાથલ સર્જાશે
અમેરિકા, આર્જેન્ટિનામાં સારા પાકની આશા: ભારત નિકાસને પ્રોતસાહિત કરવા મક્કમ

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ) : શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ પર બેન્ચમાર્ક જુલાઇ સોફ્ટ રેડ વિન્ટર વ્હીટ, ગત સપ્તાહે સતત ચાર દિવસ ઘટયા પછી બે દિવસ વધ્યો હતો. સોમવારે ૧૧.૨૫ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) બોલાયો હતો. આમ છતાં ૪ માર્ચે નોંધાયેલી ઓલ ટાઈમ હાઇ ૧૩.૪૦ ડોલરથી જોઈએ તો આ વાયદો હજુ પણ ૨૧ ટકા નીચો છે. કેન્સાસ સિટી જુલાઇ હાર્ડ રેડ વિન્ટર વ્હીટ ૧૧.૧૦ ડોલર, એમજીએક્સ જુલાઇ સ્પ્રિંગ ૧૧.૭૫ ડોલર મુકાયા હતા. આ તરફ યુરોનેક્સ્ટ મિલિંગ સપ્ટેમ્બર વાયદો ૩૯૯ યુરો (૪૧૯.૩૫ ડોલર) પ્રતિ ટન બોલાયો હતો.

- Advertisement -



છેલ્લા બે વર્ષમાં યુરોનેક્સ્ટ પાકતો/રોકડો વાયદો ૯૪ ટકા ઉછળ્યો હતો. પણ જો એક વર્ષ અગાઉના સપ્ટેમ્બર વાયદાની તુલના કરી તો ૪૭ ટકા વધ્યો છે. યુક્રેન યુદ્ધ લાંબુ ખેંચાયું તેમાં ઘઉ, મકાઇ, સોયાબીન જેવા અનાજના ભાવ ઐતિહાસિક નવી ઊંચાઈએ પહોંચી ગયા. અને કેમ નહિ? રશિયા અને યુક્રેન મળીને આખી દુનિયાને ૩૦ ટકા ઘઉનો પુરવઠો પૂરો પાડે છે, ત્યાંથી નિકાસ અટકી ગઈ છે. કાળાસમુદ્રના આ દેશોની ફળદ્રુપ જમીનને બ્રેડબાસ્કેટ ઓફ વર્લ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.

યુધ્ધને કારણે યુક્રેનની નિકાસ વેગથી ઘટવા સાથે અનેક શહેરોના ગોડાઉનો જમીનદોસ્ત થઈ ગયા હોવાથી, ૨૦૨૨-૨૩માં તેણે અનાજ સંગ્રહવાની જબ્બર સમસ્યાનો સામનો કરવો પડશે. ઘઉની વાત કરી છીએ ત્યારે ફંડામેન્ટલ્સ અને રાજકીય અસર તો, ભાવ પર થવાની જ પણ આમાં ટેકનિકલ ચાર્ટનું પણ કઈ ઓછું મહત્વ નહિ હોય. ફંડામેન્ટલ્સ અને રાજકીય સિવાય પણ અનેક કારણો ટૂંકાગાળાના ઘઉના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળશે.

- Advertisement -


યુધ્ધને કારણે યુક્રેનથી ઘઉની નિકાસ અટકી પડી હોવા સાથે જ યુરોપિયન કમિશને ૨૦૨૨-૨૩માં યુરોપીય દેશોમાંથી વિક્રમ ઘઉની નિકાસ જાળવી રાખવાની આગાહી કરી છે. કમિશને તેની માસિક માંગ પુરવઠાની આગાહીમાં કહ્યું હતું કે જુલાઇ ૨૦૨૨થી જૂન ૨૦૨૩ની ઘઉ મોસમમાં ઉત્પાદન આગાહી અગાઉની ૧,૩૧૩ લાખ ટનથી ઘટાડીને ૧,૩૦૧ લાખ ટન મૂકી હતી.

- Advertisement -

અમેરિકન મેદાની ઘઉ ઉત્પાદક રાજ્યોમાં ઘઉ સુકાવા લાગ્યા હતા, તેને હવે પૂરતા વરસાદની તંદુરસ્તી મળી ગઈ છે. તેથી વર્તમાન ઊંચા ભાવ લાંબુ નહીં ખેંચે. જો અમેરિકન ઘઉને પાછોતરા વરસાદમાં બાધા પડશે તો લાંબાગાળે ભાવને કઈક અંશે ટેકો મળી શકે છે. અમેરિકન કૃષિ મંત્રાલયના તાજા અનુમાન મુજબ, ઘઉનો ૨૭ ટકા પાક ગુડથી એક્સલન્ટ કન્ડિશનમાં છે. આ આંકડો મધ્ય એપ્રિલ કરતાં ૩ ટકા નબળો છે. ગતવર્ષે આ તબક્કે પાક ૪૯ ટકા અતિ સારા તબક્કામાં હતો.

આર્જેન્ટિનાથી પાકની તંદુરસ્તીનાં સારા સમાચાર આવવા લાગ્યા છે. દક્ષિણ ગોળાર્ધમાં સારા વરસાદની આગાહીઓ થઈ રહી છે. આનો અર્થ એ થાય કે આર્જેન્ટીનાના ખેડૂતો વર્તમાન વાવેતર મોસમમાં મબલખ પાકની અપેક્ષા રાખી શકે છે. આ તરફ ભારતમાં ૨૦૨૧-૨૨ના વર્તમાન રવિ પાકની ઉત્પાદકતામાં ખામી સર્જાતાં, અગાઉની આગાહી ૧,૧૧૩.૨ લાખ ટનથી ૫.૭ ટકા ઘટાડીને હવે ૧,૦૫૦ લાખ ટન કરવામાં આવી છે. વર્તમાન મોસમમાં સરકારી ઘઉપ્રાપ્તિ, ગતવર્ષ કરતાં અડધી થઈને ૧૯૫ લાખ ટન મુકવવામાં આવી રહી છે.


ભારત સરકાર નિકાસને પ્રોતસાહિત કરવાના ઇરાદાથી, ઘઉ નિકાસ ઉપર કોઈ પ્રતિબંધ નહીં મૂકે. ભારતીય ઘઉ માટે ઈજિપ્ત, તુર્કી, અને કેટલાંક યુરોપિયન દેશોના નવા નિકાસ કેન્દ્રો ખૂલી રહ્યા છે. કેન્દ્રીય એજન્સી અપેડા પણ નિકાસ શિપમેન્ટ પ્રક્રિયા સરળ બનાવી રહી છે. આ બધી ઘટનાઓને ધ્યાનમાં લઈએ તો જાગતિક ઘઉ પુરવઠા પર બહુ મોટું દબાણ આવવાની સંભાવના નથી.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular